લોકશાહીને વધુ મજબુત બનાવવા વિધેયકનું વિષયવસ્તુ, પ્રક્રિયા, સંવિધાનિકતા અને તેની નૈતિકતા સમજવી આવશ્યક : સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદી
રાજ્ય સભાના સાંસદ, વિચારક-વિશ્લેષક તેમજ મુખ્ય વક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ‘સંસદીય લોકશાહીને સુદ્રઢ કરવામાં સાંસદો અને ધારાસભ્યોની ભૂમિકા’ વિષય પર પોતાના વિચાર રજૂ કરતાં વિધાનસભા ખાતે કહ્યું હતું કે, લોકશાહીને વધુ મજબુત-સુદ્રઢ બનાવવા જે તે વિધેયકનું વિષયવસ્તુ પ્રક્રિયા, સંવિધાનિકતા અને તેની નૈતિકતા સમજવી ખૂબ જરૂરી છે. આપણે વિધેયકનું વિષયવસ્તુ સમજીશુ તો તેમાં આપણી સહભાગીતા વધશે તેનો યોગ્ય અર્થ આપણે કરી શકીશું. માત્ર જે તે વિધેયક અંગે સાંભળેલ વાતોથી આપણે આપણા મંતવ્યો રજૂ કરવાથી તેમાં અર્થનો અનર્થ થઇ જાય છે. આ ઉપરાંત જ્યારે કોઇ વિધેયક સંસદ અથવા વિધાનસભામાં રજૂ થાય છે ત્યારે તેનો સંપૂર્ણ કાયદાકીય અભ્યાસ બાદ રજૂ કરવામાં આવે છે. તેની આ પ્રક્રિયા પણ સમજવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડૉ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોઇપણ વિધેયકની સંવિધાનિકતા સમજવા માટે આપણે સંસદ અથવા વિધાનસભામાં અગાઉ જે તે વિધેયક ઉપર થયેલી ચર્ચા સમજવી પડે, તેને કાયદાકીય રીતે પણ સમજવી પડે. તેમાં રહેલો વિશ્વાસ અને આધાર જાણવો-સમજવો પડશે. વિવિધ કાયદાઓના અભ્યાસ કરવો પડશે. હાલમાં તેનું કેટલું મહત્વ છે તે પણ જોવું પડશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે છેલ્લા છ વર્ષમાં ૧૫૦૦ જેટલા નિયમો-કાયદાઓ રદ કર્યા છે જેનું વર્તમાનમાં કોઇ મહત્વ ન હતું.
ડૉ. ત્રિવેદીએ આ પ્રસંગે વિધેયકની નૈતિકતા ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, આપણે સ્વનું તત્વ સમજીએ તો ભારતમાં ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય, એટલે કે નિયમ તોડવાનો નથી પણ નિયમમાં રહીને જ જે કોઇપણ વિધેયક તૈયાર કરીને અને આપણે આપણી લોકશાહીને વધુ મજબુત અને સુદ્રઢ બનાવી શકીશું.
ડૉ. ત્રિવેદીએ આ પ્રસંગે ભારતની ‘સાજા’ સંસ્કૃતિના અનેક ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો એક માત્ર દેશ છે જેમાં તમામ ધર્મના લોકો રહે છે. ભારત એ માત્ર વિશ્વનો સૌથી યુવા દેશ જ નહીં પણ સૌથી પ્રાચિન સંસ્કૃતિ ધરાવતો દેશ પણ છે તેમ ઉમેર્યું હતું. આ પ્રવચન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ સહિત અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.