Western Times News

Gujarati News

લોકશાહીમાં વિપક્ષનું સક્રિય હોવું, શક્તિશાળી હોવું એ લોકતંત્રની આવશ્યક શરત છે – મોદી

17મી લોકસભા પૂર્વે પ્રધાનમંત્રીનાં મીડિયા નિવેદનનો મૂળપાઠ

 નવી દિલ્હી,  નમસ્કાર સાથીઓ! ચૂંટણી પછી નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. અનેક નવા સાથીઓનો પરિચય મેળવવાની એક અવસર છે અને જ્યારે નવા સાથી જોડાય છે, ત્યારે એમની સાથે નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવા સ્વપ્નો પણ જોડાય છે. ભારતનાં લોકતંત્રની વિશેષતાઓ શું છે? તાકાત શું છે?

આપણે દરેક ચૂંટણીમાં અનુભવ કરીએ છીએ. આઝાદી પછી સંસદની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન, સૌથી વધુ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાયા, અગાઉની સરખામણીમાં વધારે પ્રમાણમાં મહિલા મતદાતાઓનું મતદાન કરવું વગેરે અનેક વિશેષતાઓ આ ચૂંટણી ધરાવે છે. ઘણા દાયકા પછી એક સરકારને બીજી વાર સંપૂર્ણ બહુમતી સાથે અને અગાઉ કરતાં વધારે બેઠકો સાથે જનતા-જનાર્દને સેવા કરવાની તક આપી છે. ગયા પાંચ વર્ષમાં અમે અનુભવ્યું છે કે, જ્યારે સંસદની કામગીરી ચાલી છે, ત્યારે તંદુરસ્ત વાતાવરણમાં ચાલી છે અને એમાં દેશહિતમાં નિર્ણયો પણ ખૂબ સારા લેવાયા છે.

એ અનુભવોને આધારે મને આશા છે કે, તમામ રાજકીય પક્ષો બહુ ઉત્તમ પ્રકારની ચર્ચા કરશે, જનહિતમાં નિર્ણયો લેશે અને જનઆકાંક્ષાઓ પૂર્ણ કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યાં છીએ એનો વિશ્વાસ છે. અમે અમારી યાત્રા ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સાથે શરૂ કરી હતી, પણ દેશની જનતાએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની અંદર એક અદભૂત વિશ્વાસ ભરી દીધો છે અને એ વિશ્વાસને લઈને સામાન્ય માનવીની આશા-આકાંક્ષાઓને, સ્વપ્નોને પૂર્ણ કરવા માટે સંકલ્પ લઈને અમે જરૂર આગળ વધવાનો પ્રયાસ કરીશું.

લોકશાહીમાં વિપક્ષનું હોવું, વિપક્ષનું સક્રિય હોવું, વિપક્ષ શક્તિશાળી હોય એ લોકતંત્રની આવશ્યક શરત છે અને મને આશા છે કે, વિપક્ષના લોકો સંખ્યાની ચિંતા છોડી દો. દેશની જનતાએ જે સંખ્યા આપી છે, પણ અમારા માટે એમનો દરેક શબ્દ કિંમતી છે, તેમની દરેક ભાવના અમૂલ્ય છે. જ્યારે આપણે ગૃહમાં ખુરશી પર બેસીશું, સાંસદ સ્વરૂપે બેસીશું, ત્યારે પક્ષ-વિપક્ષથી વધારે નિષ્પક્ષ જુસ્સો બહુ મહત્ત્વ ધરાવે છે.

મને વિશ્વાસ છે કે, આપણે પક્ષ અને વિપક્ષમાં વહેંચાવાને બદલે નિષ્પક્ષ ભાવથી જનકલ્યાણને પ્રાથમિકતા આપીને આગામી પાંચ વર્ષ માટે આ ગૃહની ગરિમાને વધારવાનો પ્રયાસ કરીશું. મને વિશ્વાસ છે કે, અગાઉની સરખામણીમાં આપણા ગૃહ વધારે પરિણામદાયી બનશે અને જનહિતનાં કામોમાં વધારે ઊર્જા, વધારે ગતિ અને વધારે સામૂહિક ચિંતનની ભાવનાની તક મળશે.

મારી તમને બધાને એવી વિનંતી પણ છે કે, ગૃહમાં ઘણાં સભ્યો બહુ ઉત્તમ વિચાર ધરાવે છે, ચર્ચાને જીવંત બનાવે છે, પણ એ વધારે રચનાત્મક હોવાથી એનો ટીઆરપી સાથે મેળ બેસતો નથી. પણ ક્યારેક-ક્યારેક ટીઆરપીથી ઉપર ઊઠીને પણ આ પ્રકારનાં સભ્યોને તક મળશે. જો કોઈ સાંસદ ગૃહમાં સરકારની ટીકાને તર્કબદ્ધ રીતે પ્રસ્તુત કરે છે અને તે વધારે લોકો સુધી પહોંચે છે, તો એનાથી લોકશાહીને બળ મળે છે.

આ લોકશાહીને બળ આપવામાં તમારી પાસેથી મને બહુ અપેક્ષા છે. શરૂઆતમાં એ અપેક્ષાઓ તમે પૂરી કરશો, પણ આગામી પાંચ વર્ષ આ ભાવનાને પ્રબળ બનાવવામાં તમે સકારાત્મક ભૂમિકા ભજવી શકો છો. જો તમે સકારાત્મક ભૂમિકા ભજવશો, સકારાત્મક વિચારો પર ભાર મૂકશો, તો ગૃહમાં પણ સકારાત્મક દિશામાં કામ કરવાનું પ્રોત્સાહન બધાને મળશે. એટલે હું તમને બધાને આમંત્રણ આપું છું કે, 17મી લોકસભામાં આપણે એનવી ઊર્જા, નવા વિશ્વાસ, નવા સંકલ્પ, નવા સ્વપ્નોની સાથે મળીને આગળ ચાલીશું. દેશનાં સામાન્ય નાગરિકની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં આપણે કોઈ કચાશ નહીં રાખીએ. આ વિશ્વાસની સાથે તમારો ખૂબ-ખૂબ આભાર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.