લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી નિવાસસ્થાને તોડફોડ કરવામાં આવી
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નિવાસસ્થાને મંગળવારના રોજ તોડફોડ કરવામાં આવી હતી. જેનો આરોપ હિન્દુ સેના પર છે.
આ સાથે પોલીસે હિન્દુ સેના ૫ સભ્યોની ધરપકડ પણ કરી હતી. આ ઘટના બાદ ઓવૈસી કેન્દ્ર સરકાર અને ભાજપ પર રોષે ભરાયા હતા. આ સાથે બંનેને આ ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે, તોડફોડ દરમિયાન આરોપીએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટના બાદ ટ્વીટ કરીને ઓવૈસીએ લખ્યું કે, કેટલાક આતંકવાદી ગુંડાઓએ મારા દિલ્હીના ઘરમાં તોડફોડ કરી હતી. તેમની મૂર્ખતાની ચર્ચાઓ પણ સામાન્ય છે. હંમેશાની જેમ તેમનું પરાક્રમ માત્ર ટોળામાં જ દેખાય છે. જ્યારે હું ઘરે ન હતો, ત્યારનો સમય પસંદ કરવામાં આવ્યો હતો.
ગુંડાઓના હાથમાં કુહાડી અને લાકડીઓ હતી. તેમને ઘરે પહોંચીને પથ્થરમારો કર્યો હતો. સાંસદના જણાવ્યા મુજબ આરોપીએ તેમની નેમ પ્લેટ પણ તોડી નાખી હતી. આ સાથે તેમણે ત્યાં કામ કરતા રાજુને માર માર્યો હતો. રાજુ તેમની સાથે છેલ્લા ૪૦ વર્ષથી જાેડાયેલો છે.
આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તોડફોડ દરમિયાન કોમી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જેના કારણે રાજુના ઘરમાં રહેતા નાના બાળકો પરેશાન છે. તેમણે કહ્યું કે, ટોળામાં ઓછામાં ઓછા ૧૩ લોકો હતા, જેમણે તેમના ઘર પર હુમલો કર્યો હતો, પરંતુ દિલ્હી પોલીસે માત્ર ૫થી ૬ લોકોને પકડ્યા છે. જાે કે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે, દિલ્હી પોલીસ બાકીના આરોપીઓ સામે પણ કાર્યવાહી કરશે.
હૈદરાબાદ સાંસદના જણાવ્યા અનુસાર તેમના ઘર પર આ ત્રીજાે હુમલો હતો. છેલ્લે જ્યારે આવું થયું ત્યારે રાજનાથ સિંહ ગૃહમંત્રી તરીકે તેમના પાડોશમાં રહેતા હતા. આ સિવાય ઘરની નજીક નિર્વાચન સદન અને સામે જ સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન છે.
વડાપ્રધાનનું નિવાસસ્થાન પણ તેમની જગ્યાથી માત્ર ૮ મિનિટ દૂર છે. તેમણે પોલીસને ઘણી વખત કહ્યું કે, તેમના ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, જાે એક સાંસદનું ઘર સુરક્ષિત નથી તો શહેરના બાકીના લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે.HS