Western Times News

Gujarati News

લોકાભિમુખ વહિવટની નેમ સાથે રાજ્ય સરકારે બહુઆયામી મુદ્દાઓને આવરી લઈ સુશાસનનો હેતુ સિદ્ધ કર્યો છે: ઈશ્વરભાઈ પરમાર

પાટણ: દેશના ૭૧ મા પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાધનપુર ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ ગૌરવપર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી જિલ્લાના તમામ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

“રાજ્યની નીતિઓ સમાજના છેવાડે વસતા ગરીબ અને નબળા વર્ગના લોકોના વિકાસમાં સહાયરૂપ બને એ જ સાચું સુશાસન છે.” પૂજ્ય બાપુના આ શબ્દો યાદ કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ ગુજરાત સુશાસનની દિશામાં મક્કમપણે આગળ વધી રહ્યું છે. સમગ્ર રાષ્ટ્ર આજે બાપુની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે સૌને સાથે લઈને સૌના વિકાસ માટે ગુજરાત છેલ્લા બે દાયકા જેટલા સમયગાળાથી ગુજરાતના ખૂણેખૂણાના વિકાસની પ્રક્રિયાને વધુને વધુ બળવત્તર બનાવી રહ્યું છે.

મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પૂજ્ય બાપુના શબ્દોને ચરિતાર્થ કરતાં નાગરિકતા સંશોધન વિધેયક-૨૦૧૯ સંસદના બંને ગૃહોમાં પસાર કરાવી ભારતની પરિભાષાને વધુ સમૃદ્ધ કરી છે. ગુજરાત વિધાનસભામાં પણ આ કાયદાને સર્વાનુમતે સમર્થન આપવામાં આવ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલતા, પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતાના મહત્વપૂર્ણ આધારસ્તંભ પર ગુજરાતે સાતત્યપૂર્ણ અને સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે. શાંત, સલામત, સર્વસ્પર્શી વિકાસને સાર્થક કરતી રાજ્ય સરકારે જનસામાન્ય, ગરીબ, વંચિત, પીડિત, શોષિત, શહેર, ગામ, ખેડૂત, યુવા, મહિલા તમામનો અવાજ સાંભળી જવાબદેહીપૂર્ણ, ભ્રષ્ટાચાર મુક્ત, લોકાભિમુખ વહિવટની નેમ સાથે ગુણવત્તા સભર શિક્ષણ, મહત્તમ રોજગારી, નાગરીક સુવિધાઓ, સ્વચ્છતા જેવા બહુઆયામી મુદ્દાઓને આવરી લઈ સુશાસનનો હેતુ સિદ્ધ કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાના વિકાસ કાર્યો માટે આપવામાં આવેલા અનુદાન અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ વિસ્તારના સંતુલિત અને સંકલીત વિકાસ માટે વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ રૂ.૩૬.૮૦ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા. એ.ટી.વી.ટી યોજના અંતર્ગત રાધનપુર તાલુકાના વિકાસ માટે રૂ.૧.૬૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા.

કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકારનો વિકાસલક્ષી અભિગમ દર્શાવતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આઈ-ખેડૂત પોર્ટલ થકી જિલ્લાના ખેડૂતોની રૂ.૬.૩૬ કરોડની સહાય મંજૂર કરવામાં આવી. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાન બદલ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના ૯૫ હજારથી વધુ ખેડૂતોને રૂ.૩૮.૮૧ કરોડ જેટલી રકમ સહાયરૂપે ચૂકવવામાં આવી. અછત અને અસરગ્રસ્ત વિસ્તારમાં કૃષિ ઈનપુટ સહાય રૂપે રૂ.૧૩૯.૧૪ કરોડ જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ચુકવવામાં આવી.

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકારે સમાજના તમામ વર્ગોને સાથે લઈ સામાજીક ઐક્ય ઉજાગર કર્યું છે. પાટણ જિલ્લામાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી-વિમુક્ત જાતિઓ, લઘુમતી તથા અલ્પ સંખ્યક જાતિના કલ્યાણ માટે રૂ.૪૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો. વધુમાં મંત્રીશ્રીએ શિષ્યવૃત્તિ, કુંવરબાઈનું મામેરૂં, સાતફેરા સમૂહ લગ્ન, પંડિત દિનદયાળ આવાસ, વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે લોન, દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ, પાલક માતા-પિતા જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા જિલ્લાના નાગરીકોને ચૂકવવામાં આવેલી સહાય અંગે વાત કરી હતી.

આ ઉપરાંત મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓ, લક્ષીત જાહેર વિતરણ વ્યવસ્થા, પોલીસ વિભાગની કામગીરી, શિક્ષણ અને આરોગ્યલક્ષી યોજનાઓ અને વિકાસની રૂપરેખા રજૂ કરી હતી.

આદર્શ વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન, પરંપરાગત નૃત્યો, દેશ ભક્તિના ગીતો સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય માહિતી તથા કામગીરી દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ ઉપરાંત અશ્વદળના જવાનોએ સાહસભર્યા કરતબો સાથે પ્રેક્ષકોમાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા ખેલ મહાકુંભ તથા યુવા મહોત્સવમાં વિવિધ કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો તથા પરેડમાં શ્રેષ્ઠ દેખાવ બદલ પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા નગરપાલિકાના ચીફ ઑફિસરશ્રીને રાધનપુર તાલુકાના વિકાસના કામો માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ તેમજ જિલ્લા સંગઠનના શ્રી મોહનભાઈ પટેલ, લવીંગજી ઠાકોર તથા નાગરજી ઠાકોર સહિતના મહાનુભાવો, અધિકારીગણ, કર્મચારીગણ, શાળાના આચાર્યો-શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન દ્વારા ઉપસ્થિત સૌએ લોકશાહીના આ મહાપર્વને ઉજાગર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.