લોકોની જમીન પચાવનાર ત્રણ લોકો હથિયાર સાથે મર્સિડીઝમાંથી પકડાયા
અમદાવાદ: સોલા પોલીસે ત્રણ એવા લોકોની ધરપકડ કરી જે શખ્સો દારૂ પીને પિસ્તોલ લઇને શહેરમાં હાઇફાઇ મર્સિડીઝ કારમાં ફરતા હતા. આ આરોપીઓમાં કોઇ બિલ્ડર છે તો કોઇ જમીન દલાલી કરે છે. અને જમીન વિવાદમાં શખ્સો સામે હત્યાની કોશિષ, ખંડણી, મારામારી, ધમકી જેવા ગંભીર ગુના પણ નોંધાયા છે.
સોલા પોલીસે પ્રજ્ઞેશ હર્ષદ પટેલ, જીતેન્દ્રગિરી ગોસ્વામી અને માલદેવ ભરવાડની ગઇ રાત્રે ધરપકડ કરી છે. આ શખ્સો એક જ મર્સીડીઝ કારમાં દારૂ પીતા પીતા સોલા વિસ્તારમાંથી જતા હતા. જેને લઇને પોલીસને બાતમી મળતા જ પોલીસે તે લોકોને વિસ્તારમાંથી પકડ્યા હતા.
આરોપી જીતેન્દ્રગિરી ગોસ્વામી પાસેથી પોલીસને એક પિસ્તોલ અને કાર્ટિસ પણ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરી તો આરોપીએ કબૂલાત કરી કે તેની પાસે તેનું લાયસન્સ છે. પોલીસે આરોપીઓની પોલીસ સ્ટેશન લાવીને તપાસ કરી તો તમામ આરોપીઓ સામે અસંખ્ય ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું.
આરોપીઓ સામે વર્ષ ૨૦૧૫થી અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. આરોપીઓ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાથે અને જમીન દલાલી સાથે સંકળાયેલા છે. તો આ શખ્સોએ અનેક લોકોની જમીનો પણ પચાવી પાડી છે અને હત્યાની કોશિષ પણ કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
સોલા પીઆઇ જેપી જાડેજાએ જણાવ્યું હતું કે આરોપી પ્રજ્ઞેશ સામે સોલા, વેજલપુર, ક્રાઇમબ્રાંચ, મહેસાણા અને શાહપુરમાં તો જીતેન્દ્રગીરી સામે વેજલપુર અને શાહપુરમાં તથા માલદેવ ભરવાડ સામે વટવા, ઘાટલોડિયા, અસલાલીમાં પાંચ ગુના નોંધાયેલા છે.