લોકોને કોરોના સંક્રમણથી બચાવવા એ મારી અગિયારસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/corona-6.jpg)
રાજકોટ: પ્રવર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આશાવર્કર બહેનો દ્વારા જિલ્લાને કોરોનામુક્ત બનાવવા સઘન અને સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. આજે આપણે એવા જ એક ફરજનિષ્ઠ કર્મયોગી સરોજબેન અંગે વાત કરવી છે. સરોજબેન રામનાથપરા આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર તરીકે કાર્યરત છે, સતત આઠ મહિનાથી આજ સુધી પ્રતિદિન તેમણે રાજકોટ શહેરના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે.
શરૂઆતમાં તેમણે મહાનગરપાલિકા સંચાલિત ધન્વંતરિ રથમાં ડોકટર્સ સાથે રહીને લોકોને આયુર્વેદિક ઉકાળા, દવાનું વિતરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી. ત્યાર બાદ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા સરોજબેન ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. પોતાના કાર્યાનુભવ વિશે વાત કરતા સરોજબેન જણાવે છે કે, અમે દરરોજ ૧૫૦-૨૦૦ ઘરોના સર્વે કરીએ છીએ, ખાસ તો અમે લોકોના મનમાંથી કોરોનાનાં ભયને દૂર કરવાનું કામ કરીએ છીએ અને લોકોને ટેસ્ટ કરવા પ્રેરિત કરીએ છીએ. પહેલાં લોકો અમારી વાત માનતા નહીં,
તેમને સમજાવવા જતા ઘણીવાર અમારે ઘણુ જ ખરૂ-ખોટું સાંભળવું પડતુ.છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા. ઘણા પોઝિટિવ દર્દીઓ અમને આમ જ મળ્યા. ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા અને જ્યારે તંદુરસ્ત થઈને તેઓ ઘરે પાછા આવે ત્યારે તેઓ ખુશ થઈને અમારો દિલથી આભાર માનતા. અમને આશીર્વાદ આપતાં.
આશાવર્કરની સાથે એક માનવ તરીકે અમારૂં એક માત્ર ધ્યેય છે કે, અમે વધુથી વધુ લોકોને આ વૈશ્વિક મહામારીથી મુક્ત રાખીએ. સરોજબેને પોતાના અગિયારસ અને અધિક માસના ઉપવાસને પણ લોકોને કોરોનાનાં સંક્રમણથી બચાવવા માટે સમર્પિત કર્યા છે. આમ, સરોજબહેન તેમની નૈતિક ફરજની સુવાસ થકી અન્ય આશાવર્કર બહેનો માટે પ્રેરણારૂપ બન્યા છે.