લોકો એકબીજાને સાથ આપે : રતન તાતા
મુંબઈ: કોરોના મહામારીના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો ઈન્ટરનેટ પર વધારે સમય વીતાવી રહ્યાં છે. એવામાં છેલ્લા થોડા ઘણાં સમયથી ઓનલાઈન હેટ એટલે કે સોશિયલ મીડિયામાં નફરત ફેલાવવાની વૃતિમાં તેજી જાવા મળી રહી છે. દેશની જાણીતા ઉદ્યોગપતિ રતન તાતાએ ઓનલાઈન હેટને લઈને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે, જેને લોકો દ્વારા ખૂબ જ લાઈક કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે ઓનલાઈનમાં મારી હાજરી ખૂબ ઓછી છે, પરંતુ હું આશા રાખું છુ કે, આ એક એવું પ્લેટફોર્મ હશે, જ્યાં એકબીજા પ્રત્યે વધારે સહાનુભૂતિ અને મદદની ભાવના હશે. નફરત અને ગુંડાગીરી માટે અહીં કોઈ જગ્યા નહીં હોય.
રતન તાતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,“આ વર્ષ દરેક માટે કોઈને કોઈ પ્રકારે પડકારજનક છે. હું અનુભવી રહ્યો છું કે ઓનલાઈન કામ્યુનિટીના લોકો એકબીજાની લાગણીઓને ઠેસ પહોંચાડવા મથી રહ્યાં છે. એકબીજાને નીચા દેખાડવામાં લાગી ગયા છે. જેના કારણે કોઈને પણ લઈને તેઓ ઉતાળવે ફેસલો કરી રહ્યા છે. હું માનું છું કે આ વર્ષ આપણે એકજૂટ થઈને એકબીજાની મદદ કરવા માટે છે. આ સમય નથી જ્યારે લોકો એકબીજાનો વિરોધ કરે. વર્તમાન સમયમાં એકબીજા પ્રત્યે વધારે સંવેદનશીલતા અને સમજદારી દાખવવાની જરૂર છે.”