Western Times News

Gujarati News

લોનના બોજા સાથે પણ બિનખેતીની પરવાનગી મળશે

અમદાવાદ : ગુજરાતમાં મહેસૂલ ખાતા દ્વારા ડિજિટલાઈઝેશન તરફ ઔર એક કદમ આગળ વધારવામાં આવ્યુ છે. જે મુજબ, હવે લોનના બોજા સાથે પણ બિનખેતીની પરવાનગી આપવામાં આવશે. ૭/૧૨માં બોજા નોંધાયેલ હોય તો તે પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં તબદિલ થશે. લોન સાથે બિનખેતીની પરવાનગીની લે-વેચમાં પણ સુધારો શકય બનશે. સૌથી મહત્વનું એ છે કે, આ સમગ્ર પ્રક્રિયા પણ ઓનલાઇન બનશે. આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આ અંગે મહત્વની જાહેરાત કરી હતી.|

રાજ્ય સરકાર દ્વારા કરાયેલ બીનખેતીની કાર્યપધ્ધતિમાં કરવામાં આવેલા સુધારા વિષે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે વધુમાં જણાવ્યું કે, હાલમાં ઓનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે.

આ નાણાંનું ઓનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી ધ્વારા ખરાઇનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવે છે. આ કાર્યપધ્ધતિમાં સુધારો કરાતા, અરજદારને ઇન્ટીમેશન લેટરની સાથે એન એ પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે.

મહેસૂલ મંત્રીએ ખેડુત ખાતેદાર ખરાઇ અંગેની કાર્યપધ્ધતિમાં કરવામાં આવેલ સુધારા વિષે માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજુર કરવાની કાર્યવાહી દરમ્યાન જરૂરીયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ? તે અંગેની ખરાઇ કરવાની રહે છે.

ઓનલાઈન જ અરજદાર અગાઉની જમીનની વિગતો પણ દાખલ કરી શકશે. આ ખરાઇ ઓફ લાઇન થવાને કારણે તથા કોઇ કિસ્સામાં એક જિલ્લાનો અરજદાર બીજા જિલ્લામાં આવી પરવાનગીઓ મેળવવા અરજી કરે ત્યારે બીજા જિલ્લાની વિગતો મેળવવામાં સમય જતાં અરજદારની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થાય છે.

આ કાર્યપધ્ધતિમાં સુધારો કરાતાં હવેથી, ઓનલાઇન અરજી કરતી વેળાએ અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હક્કપત્રકોનો ડેટા વેબ પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ થવાથી હવેથી અરજદારે દાખલ કરેલ વિગતોની મહેસુલી અધિકારીઓ વેબ પોર્ટલ પર ઓનલાઇન ચકાસણી કરશે. જેથી, ખેડૂતની ખાતેદાર ખરાઇ કરવામાં ઝડપ આવશે અને બિન જરૂરી વિલંબ ટાળી શકાશે.

બીનખેતીની કાર્યપધ્ધતિમાં બોજા સાથે બિનખેતી પરવાનગી આપવા લેવામાં પણ સુધારો કરાયો છે. હાલમાં જમીનની વિવિધ પરવાનગી, હેતુફેર, સત્તા પ્રકાર ફેરની અરજીઓ જેવી કે ગણોતધારા/નવી શરતની જમીનમાં ખેતી/બિનખેતી હેતુ માટે પ્રિમિયમ ભરવાની પરવાનગી, બિનખેતી પરવાનગીની અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી/બેંકનો બોજો બાકી હોય તો આવી પરવાનગીઓ આપવામાં આવતી નથી.

વાસ્તવમાં આવી પરવાનગીઓથી મિલકતનું હસ્તાંતરણ થતું ન હોઇ અને માત્ર ઉપયોગનો હેતુ/સત્તા પ્રકાર જ બદલાતો હોઇ, અને અન્ય કોઇ નિયમોનો હુકમોનો ભંગ ન થતો હોય, જમીન પર સરકારી લ્હેણાં અંગે કે બાકી મહેસૂલ અંગે બોજો નોંધાયેલ ન હોય, માત્ર જમીન પર મંડળી/બેંકનો બોજો બાકી હોય તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવા બાબતે અરજદારોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આવા કિસ્સાઓમાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલ હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતી પરવાનગી આપવામાં આવશે. આવી મિલકત વેચાણ, બક્ષિસ, ભેટ, વસિયત, બાનાખત, ગીરો આપી શકાશે. આવા કિસ્સાઓમાં નાણાકીય સંસ્થાઓનું હિત જળવાય તે હેતુથી બોજા સાથેની બિનખેતી/પ્રિમિયમની પરવાનગી મળેલ હોય તો આવી મિલકત વેચાણ, બક્ષિસ, ભેટ, વસિયત, બાનાખત, ગીરો કે અન્ય કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તબદીલીની નોંધો પ્રમાણિત ન થાય તે ચોકસાઇ રાખવામાં આવશે તથા આ અંગેની નોંધ હકપત્રકમાં પણ કરવામાં આવશે.

૭/૧૨માં બોજો નોંધાયેલ હોય તો તે પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં તબદીલ થશે. આવા કિસ્સાઓમાં ગા.ન.નં.૭/૧૨ પરથી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે અને જો ૭/૧૨માં બોજો નોંધાયેલ હોય તો તે પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં તબદીલ થશે. બોજા સાથે આવી પરવાનગી આપવામાં આવે ત્યારે, બોજો આપનાર સંસ્થા/બેંકને આવા હુકમની ઇ-મેઇલથી અને લેખિતમાં જાણ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.