લોનના હપ્તા ભરાયા ન હોય તેવી ગાડીઓ વેચી ફાઈનાન્સ કંપનીના મેનેજરે 8.92 લાખની ઠગાઈ કરી
હિંમતનગરમાં ફાઈનાન્સ કંપની સાથે મેનેજરે ૮.૯ર લાખની ઠગાઈ આચરી-ફાઈનાન્સ કંપનીના મેનેજરે કંપનીના નામે બનાવટી રીલીઝ ઓર્ડર બનાવી 8.92 લાખની ઠગાઈ કરી
હિંમતનગર, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી ફાઈનાન્સ પેઢીના મેનેજરે કેટલાક વાહનો સીઝ કર્યા બાદ તેના ખોટા દસ્તાવેજો સાચા તરીકે ઉપયોગ કરી વાહન ખરીદનારને ગોડાઉનમાંથી ગાડીઓની હરાજી કરી રૂ.૭.૯ર લાખ ગ્રાહકો પાસેથી લીધા બાદ ફાઈનાન્સ કંપનીના મેનેજરે પોતાના અંગત કામકાજમાં વાપરી નાંખી ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી આચરી હતી.
આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફાઈનાન્સ કંપનીના મેનેજર વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે ઈડર તાલુકાના કુવાવા ગામના વિક્રમસિંહ મૂળજીદાન ચારણે નોંધાવેલી ફરિયાદમુજબ કોગતા ફાઈનાનસ કંપનીમાં ઈડરના વલાસણા રોડ પર આવેલા શુકન ઈન્દ્રનગરમાં રહેતા જીતેનકુમાર દિનેશભાઈ પંચાલે વર્ષ ર૦ર૩થી ફરજ બજાવતા હતા. તેમણે એક લોન ધારકની ઈકો નં. જીજે-૦૮-સીસી-૮૧૯૬ અને ઈકો નંબર જીજે-૩૮ બીએ-૯રર૪ને સીઝ કરી હતી.
ત્યારબાદ ગાડીઓ ખરીદનાર ગ્રાહકોને મેનેજર જીતેનકુમાર પંચાલે કંપનીના નામના બનાવટી રિલીઝ ઓર્ડર બનાવી આપ્યા હતા. તે દસ્તાવેજો ખોટા હોવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી ગ્રાહકોને ગોડાઉનમાં રખાયેલી ગાડીઓની હરાજી કરીને અંદાજે રૂ.૭,૯ર,ર૬, ગ્રાહકો પાસેથી લઈ લીધા હતા
અને તે રકમ પોતાના અંગત કામકાજમાં વાપરી નાંખ્યા હતા તથા ફાઈનાન્સ કંપનીમાં જમા નહીં કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી વિક્રમસિંહ ચારણે જીતેનકુમાર પંચાલ વિરૂદ્ધ સોમવારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.