લોન મોરેટોરિયમ : ચશ્મા વેચનાર એક વ્યક્તિએ 16 કરોડ લોકોને 6500 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો
નવી દિલ્હી, લોન મોરેટોરિયમ, આ શબ્દ એ છે જેનાથી આજે લોન ચુકવનાર દરેક વ્યક્તિ પરિચિત છે. લોન મોરેટોરિયમ પર સુપ્રીમ કોર્ટના (Supreme Court)આદેશ પછી સરકાર તરફથી ઉઠાવેલા પગલાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
જોકે એ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે દેશના આ મોટા મામલા પાછળ ચશ્મા વેચનાર એક વ્યક્તિ છે. યૂપીના આગ્રામાં ચશ્માની દુકાન ચલાવનાર ગજેન્દ્ર શર્માની અરજી ઉપર જ સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ પર આ આદેશ આપ્યો છે. ખાસ વાત એ છે કે દેશમાં લગભગ 16 કરોડ લોકો છે જેમણે 2 કરોડથી ઓછી લોન લીધી છે. કેન્દ્ર સરકારે આવા લોકોને રાહત આપવા માટે 6500 કરોડ રૂપિયાનું ફંડ નિર્ધારિત કર્યું છે.
ગજેન્દ્ર શર્મા આગ્રાની સંજય પ્લેસ માર્કેટમાં ચશ્માની દુકાન ચલાવે છે. આ સાથે તેમની ઓળખ સમાજસેવી તરીકેની પણ છે. ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરતા ગજેન્દ્ર શર્માએ કહ્યું કે મને ખબર વાંચવાની અને સાંભળવાની આદત છે. આ કારણે લોકડાઉન દરમિયાન ખબર પડી કે જે લોનની ઇએમઆઈ નહીં ચૂકવે તેણે પછી વ્યાજ સાથે રકમ જમા કરાવવી પડશે. તેમાં પણ લેટ થાય તો વ્યાજ ઉપર પણ વ્યાજ લાગશે. બસ અહીંથી વિચાર કર્યો કે આ મામલે હું પણ રાહત લઈશ અને બીજાને પણ રાહત અપાવવાનો પ્રયત્ન કરીશ.
ગજેન્દ્ર શર્માએ કહ્યું કે લોકડાઉનમાં આપણે પોતાની લોનની ઇએમઆઈ આપી શકતા ન હતા તે આપણી નિષ્ફળતા ન હતી. લોકડાઉન દરમિયાન ધંધા-વેપાર બંધ હોવાના કારણે મજબૂરી હતી. જ્યારે ધંધો જ નથી તો ઇએમઆઈ માટે પૈસા ક્યાંથી લાવીએ. આપણી નિષ્ફળતા નથી તો આપણે નુકસાન કેમ ભોગવીએ. આ સવાલ માટે મેં મારા એડવોકેટ પુત્ર પાસે ચર્ચા કરી અને વકીલોને મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અસલમાં આ મામલો રાઇટ ટૂ લિવનો છે. તેનો આધાર બનાવીને અમે અરજી દાખલ કરી હતી. અમે સારું કામ કરવા જઈ રહ્યા હતા. કરોડો લોકોની દુઆ સાથે હતી.