લો ગાર્ડન નજીક વેપારીને મળવા બોલાવી મહીલા અને તેનાં સાગરીતોએ ધોકા વડે હુમલો કર્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : 01062019: બે દિવસ અગાઉ લો ગાર્ડન નજીક આવેલાં ઠાકોરભાઈ હોલ સામે ચણીયા ચોળીના વેપારીને મળવા બોલાવ્યા બાદ મહીલાનાં ઓળખીતા બે શખ્સો અચાનક આવી ચઠયા હતા. અને વપેરી સાથે બોલાચાલી કરીને તેની ઉપર લાકડાનાં ધોકા અને દંડા વડે હુમલો કર્યા બાદ ગડદાપાટુનો માર મારતાં વેપારી ગંભીર રીતે ઘાયલ થઈને પડયો હતો. તેમ છતાં બંને શખ્સોએ વેપારીને માર મારવાનું ચાલુ રાખતાં રાહદારીઓએ વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો. આઉટડોર સારવાર બાદ વેપારીએ ફરીયાદ નોધાવી હતી. જા કે તેની તબીયત વધુ લથડતા તેને વધુ સારવાર લેવાની ફરજ પડી હતી.
રાહદારીઓએ છોડાવતાં મહીલા વેપારીનો મોબાઈલ લઈને રફુચકકર
મારનો ભોગ બનનાર કલ્પેશભાઈ કિશનભાઈ ચેખલીયા (૩૧) મંગલમૂર્તિ સોસાયટી જીવરાજપાર્ક ખાતે રહે છે. અને લો-ગાર્ડન ચણીયાચોળી બજારમાં સુનીતા હેન્ડીક્રાફટ નામની દુકાનમાં કપડાંનો ધંધો કરે છે. ભરતકામ કરવા માટે તેમની દુકાન સાથે દોઢસો જેટલી મહીલાઓ સંકળાયેલી છે. ગુરુવારે રાત્રે કલ્પેશભાઈ પોતાની દુકાને હાજર હતા એ વખતે તેમનાં ત્યાં ભરતકામ કરતી અને મીઠાખળી ખાતે રહેતી ડીમ્પલ નામની મહીલાએ તેમને ફોન કરીને ઠાકોરભાઈ હોલની બાજુમાં આવેલાં વાડીલાલ આઈસક્રીમના પાર્લર ખાતે બોલાવ્યા હતા. ડીમ્પલ તથા કલ્પેશભાઈ વાત કરી રહયા હતા.
ત્યારે આશરે સાડા નવ વાગ્યાના સુમારે વીસથી રપ વર્ષના બે અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડયા હતા. એકટીવા પર આવેલા બંને શખ્સો લાકડાનાં ધોકા લઈ કલ્પેશભાઈ તરફ ધસી ગયા હતા. અને એકે ડીમ્પલને પોતાની પત્ની તથા બીજાએ પોતાની બહેન હોવાનું જણાવ્યું હતું. બાદમાં કલ્પેશભાઈને તું રોડ પર ઉભો રહી ડીમ્પલ સાથે કેમ વાતો કરે છે. એમ કહીને ગાળાગાળી કર્યા બાદ ધોકો લઈ તેમની ઉપર તુટી પડયા હતા. માથામાં ધોકો વાગતા તે જમીન પર ઢળી પડયા હતા. તેમ છતાં બંને ઈસમોએ તેમને મારવાનું ચાલુ રાખ્યું હતું. બીજી તરફ ડિમ્પલ પણ ત્યાં ઉભી રહીને આ નાલાયકના હાથપગ તોડીને મારી નાખો એમ બુમો મારતી હતી. જેનાં પગલે રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને કલ્પેશભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા.
ત્યારબાદ ડિમ્પલ અને બંને શખ્સો કલ્પેશભાઈનો મોબાઈલ ફોન લઈને ત્યાંથી રફુચકકર થઈ ગયા હતા. બાદમાં ખાનગી દવાખાનામાં પ્રાથમીક સારવાર લઈને કલ્પેશભાઈ નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. જયાંથી તેમને એલીસબ્રીજ પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યા હતા. ફરીયાદ નોધાવ્યા બાદ કલ્પેશભાઈની તબીયત વધુ લથડતાં તેમને વધુ સારવાર લેવાની જરૂર પડી હતી.