વકીલો અને પોલીસ વચ્ચેનો ગજગ્રાહ રાજસ્થાન સુધી પહોંચ્યો
નવી દિલ્હી, દિલ્હીથી શરૂ થયેલો પોલીસ અને વકીલો વચ્ચેનો ગજગ્રાહ યુપી અને હરિયાણા બાદ હવે રાજસ્થાન સુધી પહોંચી ચુક્યો છે. હરિયાણાથી રાજસ્થાનના અલવર આવેલા એક પોલીસ કર્મી સાથે વકીલોએ કરેલી મારામારી બાદ પોલીસ બેડામાંરોષ જોવા મળી રહ્યો છે. અલવરમાં પણ વકીલોએ પોલીસ સામે ભેગા થઈને મોરચો માંડ્યો હતો. એ પછી પોલીસ કાફલાને કોર્ટમાં ધસી જવુ પડ્યુ હતુ.
બીજી તરફ દિલ્હીમાં પોલીસો સામે આજે વકીલો ધરણા યોજીને દેખાવો કરી રહ્યા છે. કોર્ટ બહાર પ્રદર્શન કરી રહેલા એક વકીલે તો આત્મવિલોપન કરવાની પણ કોશીશ કરી હતી. વકીલનુ કહેવુ હતુ કે, પોલીસ દિલ્હીના વકીલોની છબી ખરાબ કરવાની કોશિશ કરી રહી છે.
દિલહીની સાકેત કોર્ટ પરિસરમાં એક વકીલ બિલ્ડિંગ પર ચઢી ગયો હતો. જેના કારણે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની તમામ કોર્ટની બહાર વકીલો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. વકીલોની પોલીસ સામે નારાજગી યથાવત છે. સાકેત કોર્ટનો દરવાજો પણ વકીલોએ બંધ કરી દેતા લોકો કોર્ટ સંકુલમાં પહોંચી શક્યા નહોતા. એક તબક્કે વકીલો અને લોકો વચ્ચે પણ ઘર્ષણ જેવી સ્થિતિ ઉભી થઈ હતી.