વકીલો સામે કોઇપણ દંડની કાર્યવાહી કરવા માટે કોર્ટનો ઇનકાર
નવીદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે વકીલોની સામે કાર્યવાહી પર પોતાના વલણને નહીં બદલીને આજે દિલ્હી પોલીસને મોટો ફટકો આપ્યો હતો. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, વકીલોની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. બીજી બાજુ દિલ્હી પોલીસની બીજી અરજીને પણ આજે ફગાવી દેવામાં આવી હતી
જેમાં સાંકેત કોર્ટવાળી ઘટના પર એફઆઈઆર દાખલ કરવાની મંજુરી માંગવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું છે કે, ત્રીજી નવેમ્બરના આદેશમાં સ્પષ્ટીકરણની કોઇ જરૂરિયાત દેખાઈ રહી નથી. કારણ કે, તે પોતાની રીતે જ બિલકુલ સ્પષ્ટ છે. ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ શ્રીહરિ શંકરે ત્રીજી નવેમ્બરના આદેશ પર સ્પષ્ટીકરણની માંગ કરતી અરજીને ફગાવી દઈને કહ્યું હતું કે, આદેશ પોતાની રીતે સંપૂર્ણપણે સ્પષ્ટ છે.
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે, ત્રીજી નવેમ્બરવાળો આદેશ તીસહજારી મામલા બાદની ઘટનાઓ ઉપર લાગૂ થવો જાઇએ નહીં. સુનાવણીના સમયે કોર્ટ રુમમાં ભરચક સ્થિતિ રહી હતી. હકીકતમાં ત્રીજી નવેમ્બરના આદેશ બાદ દિલ્હીની સાકેત કોર્ટની બહાર એક ઓન ડ્યુટી પોલીસ કર્મી અને એક સિવિલિયનની સોમવાર અને મંગળવારના દિવસે વકીલો દ્વારા માર મારીને જટિલ સ્થિતિ ઉભી કરવામાં આવી હતી.
આ સંબંધમાં પોલીસે બે જુદી જુદી ફરિયાદો દાખલ કરી હતી. હાઈકોર્ટે દિલ્હી પોલીસની એવી અરજીને ફગાવી દીધી હતી જેમાં સાકેત કોર્ટની ઘટનાના સંબંધમાં વકીલોની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી.
સુનાવણીમાં વકીલો તરફથી દિલ્હી પોલીસ ઉપર નવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે, સિનિયર પોલીસ અધિકારીઓએ વકીલો માટે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને લઇને કાર્યવાહી થવી જાઇએ. વકીલ પક્ષે એ વકીલને પણ ઓળખવાનો ઇન્કાર કરી દીધો હતો
જેને લઇને વિડિયો વાયરલ કરાયો હતો. આ વિડિયોમાં એક શખ્સ પોલીસને માર મારતો નજરે પડી રહ્યો હતો. વાયરલ થયેલા વિડિયોમાં જે શખ્સ દેખાઈ રહ્યો હતો તેને વકીલ તરીકે ગણાવવામાં આવી રહ્યો હતો. વકીલ પક્ષે કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પોતાના અધિકારોનો ખોટીરીતે ઉપયોગ કરી રહી છે. એવી માંગ પણ કરવામાં આવી હતી કે, વકીલોની સામે ખોટી ભાષાનો ઉપયોગ કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે તરત જ પગલા લેવાની જરૂર છે.
કોર્ટમાં સાકેત કોર્ટના વિડિયોના મામલાને પણ ઉઠાવવામાં આવ્યો હતો જેમાં પોલીસ કર્મી પર હુમલાને દર્શાવવામાં આવ્યો હતો. મંગળવારના દિવસે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસવાળા આશરે ૧૦ કલાક સુધી દેખાવોમાં જાડાયા હતા અને જુદી જુદી માંગણીઓ મુકી હતી.