વકીલ સાથે છેતરપિંડી કરતાં જ્યોતિષનો ભાંડો ફૂટ્યો
ભવિષ્ય ભાખી ન શક્યો તે બીજાના દુઃખ દૂર કરતો -જ્યોતિષનું લગ્ન જીવન બે વખત ભાંગ્યું, તેણે ઇમિટેશનમાં મજૂરી કામ શરૂ કર્યું હતું પરંતુ વળતર મળ્યું ન હતું
રાજકોટ, રાજકોટમાં ૧૦ વર્ષથી દોરા, ધાગા, જયોતિષ કામ, મૂળાની વિધિથી ઉતારનું કામ કરનાર જ્યોતિષ અશ્વિન મણીલાલ મહેતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી આ જ્યોતિષનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. એક વકીલ સાથે છેતરપિંડી કરતાં જ્યોતિષનો ભાંડાફોડ થયો હતો.
આશ્ચર્યની વાત તો એ છે કે જ્યોતિષના પોતાનું લગ્ન જીવન બે વખત ભાંગ્યું છે. એટલું જ નહીં, તેણે ઇમિટેશનમાં મજૂરી કામ શરૂ કર્યું હતું પરંતુ તેમાં પણ કોઈ વળતર મળ્યું ન હતું. એટલે કે જે જ્યોતિષ પોતાનું ભવિષ્ય ભાખી ન શક્યો તે બીજા લોકોના દુઃખ દૂર કરતો હતો!
બનાવની વિગતે વાત કરીએ તો રાજકોટ મ્યુનિસિપલ આવાસ શ્રી રામ ટાઉનશીપમાં રહેતા હિતેષભાઈ અચાનક બીમાર પડી ગયા હતા. તેઓ ગમે તે વસ્તુનો ઘા કરે, ‘તારો જીવ લઈને છોડીશ’ એવું બોલીને બેભાન હાલતમાં થઈ જતાં હતા. તેમના મિત્રોએ ડૉક્ટરી ઉપચાર સાથે સાથે જયોતિષી અશ્વિન મહેતાનો સંપર્ક કર્યો હતો.
જેમણે દર્દીની હાલત જાેઈને તાત્કાલિક વિધિ કરવાનું કહ્યું હતું. આ માટે કાળું, કપડું, એક શ્રીફળ, લીંબુ સાથે ૨,૫૦૦ રૂપિયા ઉતારના મૂકવા માટે જણાવ્યું હતું. મજબૂર પરિવારે આ તમામ કર્યાં બાદ જ્યોતિષે વધુ ૪,૦૦૦ રૂપિયા માંગ્યા હતા. જાેકે, તેમને આ વિધિથી કંઈ ફરક પડ્યો ન હતો. બીજી કેસમાં મૂળ વતન ધોરાજીના વકીલ અશ્વિન નાનજીભાઈ ગોહેલને પણ આ જ્યોતિષ સાથે આવો કડવો અનુભવ થયો હતો.
આથી રાજકોટના અન્ય પરિવારોને આ જયોતિષી છેતરે નહીં તે માટે તેઓએ તાલુકા પોલીસ સ્ટેશન અને વિજ્ઞાન જાથાની મદદ માંગી હતી. આ મામલે જાથાએ માહિતીના આધારે ખરાઈ કરવાનું નક્કી કર્યું હતું. જે માટે જાથાના બે કાર્યકરોએ જયોતિષીના રહેઠાણ ખાતે તપાસ અશ્વિન જયોતિષ વિદ્યાના નામે અનેક રીતે છેતરપિંડી કરતો હોવાનું માલુમ પડ્યું હતું.
જ્યોતિષ મજબૂર લોકોને શીશામાં ઉતારતો હોવાની વિગત સામે આવી હતી. જ્યોતિષ કામ માટે બે હજારથી માંડીને એક લાખની રકમ પડાવતો હોવાની હકીકત સામે આવી હતી. જ્યોતિષ મૂળા ઉતારની વિધિમાં સ્મશાનમાં ઉતાર મૂકવો, માતાજીના મઢમાં તાંત્રિક વિધિની વસ્તુ મૂકવી, મેલી વિદ્યાનો છાયો, પિતૃ, ગ્રહ નડતર નિવારણ, વગેરેની વિધિ કરીને ભય-ડર બતાવી ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરતો હતો.
વિજ્ઞાન જાથાની તપાસમાં એવી પણ વિગત ખૂલી છે કે, જ્યોતિષ ત્રણ માસથી ભાગતો ફરતો હતો. તેણે ભાડાના ત્રણ મકાન ફેરવી નાખ્યા છે. એવી પણ વિગત સામે આવી છે કે જ્યોતિષના લગ્ન જીવનમાં બે વાર ભંગાણ થયું છે.