વકીલ સાથે નાણાંની વાત કરતાં વ્યક્તિ પર ચપ્પા વડે હુમલો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સંબંધીના ભાઈને જેલમાંથી છોડાવવા માટે વકીલ સાથે વાત કરવા ગલ્લા આગળ ઉભા રહેલા વ્યક્તિ પર ગલ્લા માલિકે છરી વડે હુમલો કરવાનો બનાવ ઘાટલોડીયા પોલીસના ચોપડે નોંધાયો છે. છરી વડે હુમલો કર્યા બાદ ગલ્લાનો માલિક ત્યાંથી ભાગી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે પુશપાલન કરતા રાજુભાઈ જેરામભાઈ દેસાઈ જનતાનગર નજીક ઘાટલોડીયા ખાતે રહે છે. તેમના સંબંધી લીલાબેન બારોટના જમાઈ કલ્પેશભાઈ કોઈ ગનુસર સૈન્ટ્રલ જેલમાં છે. જેમને છોડાવવા માટે રાજુભાઈએ વકીલ ધર્મેન્દ્રભાઈ વ્યાસનો સંપર્ક સાધ્યો હતો. તથા તેમને ફી પેટે રૂ.પ૦ હજાર ચુકવ્યા હતા.
ગઈકાલે રાત્રે રાજુભાઈપોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ સમયે હિરાબાગ ત્રણ રસ્તા ખાતે આવેલા ચેહર પાન પાર્લર આગળ વકીલ ધર્મેન્દ્રભાઈ તેમને મળતાં રાજુભાઈ તેમની સાથે ફી પેટે આપેલા રૂપિયા બાબતે ચર્ચા કરતા હતા. એ વખતે ગલ્લાના માલિક લાલાભાઈ રબારી અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા. અને મારી દુકાન આગળ મારા મિત્ર ધર્મેન્દ્રભાઈ સાથે કેમ રૂપિયાની વાત કરો છો? કહીને ઝઘડો કરવા લાગ્યા હતા.
દરમયાનમાં પોતાની પાસે રહેલા ચપ્પુથી હુમલો કરતાં રાજુભાઈને હાથમાં ઈજાઓ પહોંચી હતી. બુમાબુમ થતાં રાજુભાઈના મિત્રો તથા અન્ય એકત્ર થઈ જતાં લાલાભાઈ રબારી ત્યાંથી ભાગી ગયા હતા. સારવાર કરાવ્યા બાદ રાજુભાઈએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે લાલ રબારીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.