Western Times News

Gujarati News

વઘઇ ખાતે યોજાયો કૃષિ મેળો અને “કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ:

પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાના ખેડૂતોને મળ્યુ અમુલ્ય માર્ગદર્શન:યોજનાકિય જાણકારી પણ અપાઈ

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: ખેતીપ્રધાન દેશ હોવાને નાતે, ખેતીને લગતી વિવિધ પ્રવૃત્તિઓનુ અદકેરૂ મહત્વ છે. ત્યારે તાજેતરમા જ દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રૂબરૂ મુલાકાત વેળા, વડાપ્રધાનશ્રીએ દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાની ખેરખબર પૂછીને, ડાંગની પ્રાકૃતિક ખેતીની તેમની પાસેથી સૂક્ષ્મ માહિતી મેળવી હતી. તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા પ્રમુખશ્રીએ પ્રજાજનોની સ્વાસ્થ્ય ઉપર થઈ રહેલી વિપરીત અસરો, નવી નવી માંદગીઓ, અને ઘટતા જતા સરેરાશ આયુષ્યને જોતા, દરેક પ્રજાજનોને પ્રાકૃતિક ધનધાન્ય મળે તે જરૂરી છે, તેમ જણાવ્યુ હતુ. પ્રમુખશ્રીએ ઝેરમુક્ત ખેતી તરફ વળવા ડાંગના ખેડૂતોને હાંકલ કરતા, વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ખેતીની જમીન, ખેત ઉત્પાદન સુધારવાનો સમયનો તકાજો છે તેમ જણાવ્યુ હતુ.

ડાંગમા પશુપાલનના સફળ વ્યવસાય થકી મહિલાઓની સ્થિતિમા સુધારો થયો છે, તેમ જણાવતા પ્રમુખશ્રીએ મહિલાઓ સંચાલિત દૂધ મંડળીઓને કારણે જિલ્લામા સ્વેતક્રાંતિ આવી છે, તેમ પણ જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતી માટે પણ પશુપાલનનુ ખૂબ મહત્વ છે તેમ જણાવી પ્રમુખશ્રી ગાવિતે ગાય, ગોબર અને ગૌમુત્રનુ મહત્વ સ્પષ્ટ કર્યુ હતુ. દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકેનુ બહુમાન પ્રાપ્ત કરી ચૂકેલા ડાંગ જિલ્લાના ખેડૂતો ઉપર, સ્વાસ્થ્યપ્રદ અન્ન ઉત્પાદનની મોટી જવાબદારી છે, ત્યારે પ્રજાજનોની આશા અને ઉમ્મીદ ઉપર ખેડૂતોને ખરા ઉતરવાની હિમાયત કરતા, શ્રી ગાવિતે, ખેડૂતોને જગતના તાતની મળેલી જવાબદારી સુપેરે નિભાવવાની હાંકલ કરી હતી.

ગુણવત્તાયુક્ત અનાજ, અને શાકભાજીના ઉત્પાદન થકી પ્રજાજનોને પોષક ધનધાન્ય પૂરા પાડવા સાથે, જમીનની તાસીર સુધારવાની તક પણ ખેડૂતોને મળી છે, તેમ જણાવતા પ્રમુખશ્રીએ, કુદરતી પ્રક્રિયાને બરોબર સમજી બાયોડાયવર્સીટીના સિદ્ધાંતને નજર સમક્ષ રાખવાની પણ હાંકલ કરી હતી. ડાંગના પોતિકા ધાન્ય નાગલી, અને વરઈ, તેનુ વેલ્યુએડેડ ઉત્પાદન, પૌષ્ટિકતા વિગેરે વિશ્વએ સ્વીકાર્યુ છે ત્યારે તેનુ મૂલ્ય સમજીને તેનુ વધુ ઉત્પાદન કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.

પ્રાકૃતિક ખેતીની ઉપજથી પોષણ મેળવતા ડાંગના પ્રજાજનોના શરીર સૌષ્ઠવની મહિમા વર્ણવતા પ્રમુખશ્રીએ, દેશને શ્રેષ્ઠ ખેલાડીઓ ભેટ આપનાર ડાંગ જિલ્લાની નાગલી અને વરઈ જેવા ખેત ઉત્પાદનનુ મહત્વ સમજવાની પણ અપીલ કરી હતી.ખેડૂત કલ્યાણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિને બિરદાવતા પ્રમુખશ્રીએ અધિકારી અને પદાધિકારીઓને ખેડૂત ઉત્કર્ષના કાર્યમા પરસ્પર સંકલન અને સહયોગની હિમાયત કરી હતી. પ્રાકૃતિક ખેતી માટે છાણિયાખાતરના ઉપયોગની અનિવાર્યતા સ્પષ્ટ કરતાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે, ખેતીવાડી સાથે પશુપાલનની હિમાયત કરી હતી. વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પવારે “કિસાન ભાગીદારી, પ્રાથમિક્તા અમારી” કાર્યક્રમના આયોજનનો ઉદ્દેશ બર લાવવાની જવાબદારી,ડાંગના ખેડૂતોની છે તેમ જણાવ્યુ હતુ. બંને તાલુકાના મહિલા પ્રમુખોએ ગૌ, ગૌમુત્ર અને ગોબરનુ માહાત્મ્ય પણ વર્ણવ્યુ હતુ.

ઉલ્લેખનિય છે કે, કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય કામગીરી જેવી કે તાલીમ કાર્યક્રમો, નિદર્શન, ટેક્નોલૉજી એસેસમેન્ટ અને રિફાઈનમેન્ટ, એક્સન્ટેશન પ્રોગ્રામ્સ, મોબાઈલ સલાહકાર સેવાઓ, બીજ અને વાવેતર સામગ્રીનું ઉત્પાદન, માટી-પાણી અને છોડ વિશ્લેષણ, યોજનાકિય વિગતો, પૂરી પાડવામા આવી હતી.સાથે સંપૂર્ણ રાસાયણ મુક્ત ખેતી માટેની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમો,સહાય, પ્રાકૃતિક કૃષિ પ્રમાણીકરણ, બ્રાન્ડિંગ અને સર્ટિફિકેશન, ગાય નિભાવ ખર્ચમા સહાય, સહિત “સાત પગલાં ખેડૂત કલ્યાણ” કાર્યક્રમ અંતર્ગત કિસાન પરિવહન યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, દેશીગાય આધારિત કૃષિ માટે ગાય નિભાવ ખર્ચ, જીવામૃત બનાવવા માટેની કિટમા સહાય, ફળ-શાકભાજીના છૂટક વિક્રેતાઓને વિનામુલ્યે છત્રી આપવાની યોજના, તારની વાડની યોજના સહિત ખેડૂત કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ ઉપરાંત પી.એમ.કિસાન યોજનાની પણ જાણકારી પૂરી પાડવામા આવી હતી.

દિવસ દરમિયાન ચાલેલા જુદા જુદા સેશન બાદ, કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન સહિત, પ્રગતિશીલ ખેડૂતોના પ્રતિભાવો, ખેડૂતો અને વૈજ્ઞાનિકોના વાર્તાલાપ, પ્રાકૃતિક નિદર્શન યુનિટ/સ્ટોલ્સ, કૃષિ પ્રદર્શન, યોજનાકીય સાહિત્યનુ વિતરણ જેવા કાર્યક્રમ પણ યોજાયા હતા.રાષ્ટ્રીય કક્ષાએથી ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રીશ્રીના ઉદ્દઘાટન કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ ખેડૂતો અને મહાનુભાવોએ નિહાળ્યુ હતુ. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક સર્વેશ્રી ડો.એચ.આઇ.પાટીલ, ડો.પી.પી જાવિયા, સહિત ખેતીવાડી, બાગાયત, પશુપાલન, આત્માના અધિકારીઓએ ખેડૂતોને ઉપયોગી જાણકારી પૂરી પડી હતી.

તા.૨૫/૦૪/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૨ દરમિયાન ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત દેશભરમા “કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી” કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ડાંગ જિલ્લાના વઘઇ કૃષિ કેન્દ્ર ખાતે આયોજિત “કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી” કાર્યક્રમમા, નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ કૃષિ કેન્દ્ર-વઘઇ સહિત જિલ્લાના ખેતીવાડી, બાગાયત, આત્મા અને પશુપાલન કચેરીઓ સહયોગી થઈ હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.જે.બી.ડોબરીયાએ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

અભારવિધિ પશુપાલન વૈજ્ઞાનિક ડો.એસ.એ.પટેલે આટોપી હતી. વઘઇ ખાતે યોજાયેલા કાર્યક્રમમા જિલ્લા પંચાયતની કૃષિ, સિંચાઇ અને ઉત્પાદન તથા સહકાર સમિતિના અધ્યક્ષા શ્રીમતી સવિતાબેન ભોયે, વઘઇ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા શ્રીમતી રજૂબેન, વઘઇના સરપંચ શ્રીમતી શિંધુબેન, સહિત સામાજિક કાર્યકરો સર્વેશ્રી ધર્મેશભાઈ પટેલ અને હીરાભાઈ રાઉત સહિત કૃષિ કેન્દ્રના ઉચ્ચાધિકારીઓ, વૈજ્ઞાનિકો, જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રી કેતન માહલા, પશુપાલન અધિકારી શ્રી ડો.હર્ષદ ઠાકરે ઉપરાંત, બાગાયત અધિકારીશ્રી અને આત્મા પ્રોજેકટના ડાયરેક્ટરશ્રી સહિત ખેડૂતો વિગેરેએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા નિભાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.