વટવાના કેમીકલ યુનિટ સીલ કર્યા બાદ ખોલવાના માઠા પરીણામ
પીરાણા દુર્ઘટના બાદ ફાયર વિભાગે સીલ કરેલા યુનિટ કોના દબાણથી ખુલ્યા ?: ચર્ચા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,અમદાવાદ શહેરમાં આગના બનાવો રોડ-અકસ્માત જેમ સામાન્ય બની ગયા છે. શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગો, હોસ્પિટલ તથા ઔદ્યોગિક એકમોમાં છાશવારે ભીષણ અને જીવલેણ આગના બનાવ બની રહ્યાં છે. જેની સામે મ્યુનિ.તંત્ર દ્વારા નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. શહેરના પીરાણા વિસ્તારમાં ગત માસ દરમ્યાન લાગેલી આગ બાદ સરકાર અને સ્થાનિક તંત્ર સફાળા જાગ્યા હતા તેમજ આકરા પગલાં લેવાની શરૂઆત કરી હતી. પરંતુ આ કાર્યવાહી ક્ષણભંગૂર સાબિત થઈ હતી. પીરાણા આગ બાદ વટવા જી.આઈ.ડી.સી.માં ૩૬ કેમીકલ યુનિટ સીલ કરવામાં આવ્યા હતા તેમ છતાં મંગળવાર મધરાતે બે કેમીકલ ફેક્ટરીઓમાં ધડાકાભેર ભીષણ આગ લાગી હતી. જ્યારે મણીનગર વિસ્તારની કોવીડ હોસ્પિટલમાં પણ આગનો નાનકડો બનાવ બન્યો હતો.
શહેરના પીરાણા વિસ્તારમાં દિવાળી પહેલાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૧૨ જેટલા નાગરીકોએ જીવ ગુમાવ્યા હતા. જેના પગલે સરકારી અધિકારીઓ સફાળા જાગૃત થયા હતા તથા ગેરકાયદેસર ગોડાઉન અને કેમીકલ યુનિટ સામે કાર્યવાહી કરવા ફરમાન જાહેર કર્યું હતું. સરકારના આદેશ બાદ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામવાળા ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા. પરંતુ તોડી પાડવામાં આવ્યા નથી. જ્યારે ફાયર વિભાગે પણ ફાયર એન.ઓ.સી. ન હોય તેવા કેમીકલ યુનિટને સીલ કર્યા હતા. જેમાં વટવા જીઆઈડીસીના ૩૬ યુનિટ પણ સામેલ છે. પરંતુ ઉચ્ચકક્ષાએથી દબાણ આવ્યા બાદ રાતોરાત તમામ ફેક્ટરીના સીલ ખુલી ગયા હતા. જેના માટે માત્ર લેખિત બાંહેધરી લેવામાં આવી હતી. મ્યુનિ.ફાયર વિભાગને બાંહેધરી આપ્યા બાદ એકપણ ફેક્ટરીમાં ફાયર સીસ્ટમ માટે કામ શરૂ કરવામાં આવ્યું નથી.
વટવા જીઆઈડીસીમાં મંગળવાર મધરાતે જે કેમીકલ ફેક્ટરીઓમાં આગ લાગી હતી તેમાં પણ ફાયર સીસ્ટમ લગાવવામાં આવી ન હતી. તેમ છતાં ફાયર વિભાગે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હતો. જે ફાયર ખાતાએ જે ૩૬ ફેક્ટરી સીલ કરી હતી તેમાં આ બંને ફેક્ટરીનો સમાવેશ થયો નહતો.
વટવા કેમીકલ ફેક્ટરીમાં લાગેલી આગની રાખ ઠંડી પડે તે પહેલાં જ મણીનગરની લીટલ ફ્લાવર કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હોવાના સમાચાર જાહેર થયા હતા જેના કારણે અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સદર હોસ્પિટલનો અનઅધિકૃત વપરાશ થઈ રહ્યો છે તથા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા દક્ષિણ ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર અને વોર્ડ ઈન્સ્પેક્ટરને કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હોસ્પિટલને સીલ કરવામાં આવી નથી. આ સંજાેગોમાં દાખલ દર્દીઓની જીંદગી સાથે ઝોનના ડે.એસ્ટેટ મનીષભાઈ માસ્તર ચેડા કરી રહ્યા છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યાં છે.