વટવાના પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસી યુવકે માલિક સાથે મારામારી કરી
અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં રૂપિયાની લેતી-દેતીના મામલે એક યુવકે પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસી તેના માલિક સાથે મારામારી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવકે પ્રોવિઝન સ્ટોરમાં ઘુસીને પહેલા ગાળો બોલી હતી. ત્યારબાદ મારામારી પણ શરૂ કરી દીધી હતી.
વટવા વિસ્તારમાં આવેલા રાજીવનગર ખાતે રહેતા શિવમ ગુપ્તાએ જયદીપસિંહ ચાવડા વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. શિવમ ગુપ્તા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે અને તેના પિતા બેચુલાલ ગુપ્તા અને ભાઇ ભાવેશ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે.
બે દિવસ પહેલા શિવમ ઘરે હાજર હતો તે સમયે અચાનક તેમના પ્રોવિઝન સ્ટોરમાં બૂમાબૂમ થઇ હતી. આથી શિવમ તરત જ પ્રોવિઝન સ્ટોર પર પહોંચી ગયો હતો, જ્યાં ભીમનાથ સોસાયટીમાં રહેતો જયદીપસિંહ ચાવડા નામનો યુવક ભાવેશને માર મારતો હતો અને ગાળો બોલતો હતો.
દરમિયાનમાં જયદીપસિંહે તેની પાસે રહેલું ચપ્પુ કાઢ્યુ હતું અને તે ભાવેશને મારવા જતો હતો તે સમયે શિવમે તેને રોકી લીધો હતો. ત્યારબાદ ભાવેશે શિવમને જણાવ્યું હતું કે જયદીપસિંહ દુકાન પર આવ્યો હતો અને રૂપિયા બાબતે ઝઘડો કરીને બબાલ કરવા લાગ્યો હતો. ભાવેશ અને તેની બહેને જયદીપસિંહને જતા રહેવાનું કહેતા તેણે મારામારી શરૂ કરી દીધી હતી. શિવમે આ બાબતે વટવા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. (એન.આર.)