વટવામાં એક તરફી પ્રેમમાં પરણીતાને છરીના ઘા ઝીંક્યા
પરણીતા હાલ સારવાર હેઠળ : પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે યુવતીના લગ્ન થઈ ગયા બાદ તે પિયર આવતા તેના ઘરમાં ઘુસીને છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી છે.
યુવતીના લગ્ન અગાઉ પણ આ શખ્સ તેનો અવારનવાર પીછો કરી લગ્ન કરવા દબાણ કરતો હતો. જાેકે યુવતીના માતા પિતાએ તેને બીજે પરણાવી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે શીલા (કાલ્પનિક નામ) જશોદાનગર નજીક રહેતી હતી ત્યારે મહેશ ઉર્ફે મુકેશ કાંતિલાલ રાઠોડ (ચાર માળીયા, વટવા) અવારનવાર તેનો પીછો કરી લગ્ન કરવા દબાણ કરતો હતો જાેકે તેના માતા પિતાએ શીલાના લગ્ન બીજે કરાવ્યા હતા.
આશરે પંદર દિવસ અગાઉ શીલા ડિલીવરી માટે પોતાના ઘરે આવી હતી અને બાળકીને જન્મ આપ્યો હતો. મંગળવારે બપોરે શીલા પોતાના નાના ભાઈ સાથે ઘરે હતી
ત્યારે અચાનક જ મુકેશ તેના ઘરે આવીને ગાળો બોલી “તું મારી નથી થઈ તો કોઈની નહી થવા દઉં’ કહીને શીલાના ગળા ઉપર ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા જેથી શીલા અને તેના ભાઈએ બુમાબુમ કરતા મુકેશ ત્યાંથી ભાગી ગયો હતો
ઈજાગ્રસ્ત શીલાને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે જયારે વટવા જીઆઈડીસી પોલીસે મુકેશ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.