વટવામાં ઓટલા પર બેસવા બાબતે યુવકની ઘાતકી હત્યા
બન્ને આરોપી પોતાનો રોફ જમાવવા છરી લઈ ફરતા હતા
અમદાવાદ, શહેરમાં ફરી એક વાર હત્યાનો સિલસિલો જાેવા મળી રહ્યો છે. સામાન્ય બાબતોમાં હથિયારોથી હત્યા નિપજાવવામાં આવી રહી છે. હત્યા જેવા ગંભીર બનાવોમાં વધારો થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. શહેરના વટવામાં સામાન્ય ઝઘડામાં પાડોશીએ છરીના ઘા ઝીકીને યુવકની હત્યા કરી છે. ઓટલા પર બેસવા બાબતે થયેલી તકરારમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
વટવામાં ઘર નજીક આવેલા ઓટલા પર બેસવા બાબતે થયેલી રકઝકમાં ખૂની ખેલ ખેલાયો હતો. ૩૦ વર્ષના સુલતાન નામના યુવકની હત્યા થઈ છે. બનાવની વાત કરીએ તો સુલતાન ઘર નજીક આવેલી મસ્જિદના ઓટલા પર બેઠો હતો. ત્યારે મોહંમદ સાજીદ ઉર્ફે ગરદન શેખ અને શાહિદ ઉર્ફે રોબોટ અન્સારી ઓટલા પર બેઠેલા સુલતાન પાસે ગયા હતા. આરોપી અને સુલતાન વચ્ચે ઓટલા પર બેસવા બાબતે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા સાજીદ અને શાહિદે છરીના ઘા ઝીકીને સુલતાનની હત્યા કરી હતી.
પકડાયેલા બન્ને આરોપી સાજીદ અને શાહિદ મજૂરી કામ કરે છે. જ્યારે પોતાનો રોફ જમાવવા છરી લઈને ફરતા હતા. મરનાર સુલતાન પણ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બન્ને યુવકો નશાનો વેપાર કરવા ઓટલા પર બેસવા ઝઘડો કરતા હોવાની શક્યતા મૃતકના પરિવારે વ્યક્ત કરી છે.
હાલમાં વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અગાઉ દાણીલીમડામાં બિલાડી ભગાડવા પડોશીએ યુવકની હત્યા કરી હતી. જ્યારે વટવામાં ઓટલા પર બેસવા પાડોશીએ હત્યા કરી છે. બન્ને હત્યા કેસમાં ઝઘડો તો સામાન્ય જ હતો. પરંતુ ઉશ્કેરાટમાં હત્યા કરતા આ બંને કેસમાં પાડોશીઓને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો છે.