વટવામાં બિલ્ડરોએ રૂપિયા લીધા બાદ ફલેટ ન આપતાં મહીલાની ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ

અન્ય આઠ લોકો સાથે પણ છેતરપીંડી આચર્યાનું બહાર આવ્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, ઘણાં સમય બાદ બિલ્ડરો દ્વારા ગ્રાહકોના રૂપિયા ચાંઉ કરી ગયા બાદ મકાનનો કબજાે ન સોંપવાનું ભુત ફરી ધુણ્યું છે. વટવા વિંઝોલ ગામમાં એક સ્ક્રીમમાં એક રહીશે બે ફલેટ વેચાણે રાખ્યા હતા જેની કેટલીક કિંમત ચુકવી દીધા બાદ પણ બિલ્ડર પઝેશન આપતા ન હતા જેના પગલે તેમણે ક્રાઈમબ્રાંચમાં બિલ્ડરો વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ કરી છે.
મણીનગરમાં ચિત્રકુટ સોસાયટીમાં રહેતા દિપલબેન શાહ તથા તેમની માતા નયનાબેન શાહે વર્ષ ર૦૧૩માં વટવા વિંઝોલ ક્રોચીંગ રોપડા રોડ નજીક ઓમ ઓરબીટ નામની સ્કીમમાં બે ફલેટ ખરીદ્યા હતા અને ટુકડે ટુકડે રૂપિયા ચુકવી આપ્યા હતા.
તેમ છતાં બિલ્ડર જીગર પરીખ (વાસણા) પારીતો પટેલ (સિંધુભવન રોડ, થલતેજ) તથા સુધીર પટેલ (સોલા)એ અવારનવાર બહાના બતાવી તેમને ફલેટ આપ્યા ન હતા
જેને પગલે દિપલબેન કોર્ટમાં ગયા હતા જયાંથી આવેલા ચુકાદાનો પણ બિલ્ડરોએ અનાદર કર્યો હતો અને અવારનવાર સમાધાનના બહાને સમય પસાર કરતા હતા છેલ્લે તેમને તમામ દાવા તથા અરજીઓ પરત ખેંચવાનું લખાણ કરાવી એક ફલેટ આપવાનો વાયદો કર્યો હતો જે ફલેટ ઉપર પણ બેંકની જાહેર નોટીસ મારેલી હતી.
બાદમાં આ ત્રણેય બિલ્ડરોએ અન્ય આઠ લોકો સાથે પણ આવી જ છેતરપીંડીઓ આચરી હોવાની દિપલબેનને જાણ થઈ હતી જેના પગલે તેમણે ક્રાઈમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરીયાદ નોંધાવી છે.