વટવામાં રૂા.૧૫ કરોડના ખર્ચથી તળાવ ઈન્ટરલીંક કરવામાં આવશે
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો સંગ્રહ થશે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરના તળાવોમાં બારેમાસ પાણી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મ્યુનિ.અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. જેના પગલે નવા પશ્ચિમ ઝોન વિસ્તારના તળાવોને ભરવામાં આવી રહ્યા છે. જ્યારે દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં તળાવ ઈન્ટરલીંક કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેની કામગીરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં રૂા.૧૫ કરોડના ખર્ચથી તળાવ જાેડાણની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. વટવામાં આવેલા વાનરવટ તળાવ, વટવા ગામ તળાવ, મહાલક્ષ્મી તળાવ તેમજ રોપડા ચાર રસ્તા પાસે આવેલા બબુન તળાવને ઈન્ટરલીંક કરવામાં આવશે. તળાવ ઈન્ટરલીંકનું કામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે તેમજ ચોમાસા દરમ્યાન તળાવ ઓવરફ્લો થાય તો વધારાના પાણીનો યોગ્ય નિકાલ થઈ શકશે. વટવા તળાવ ઈન્ટરલીંક પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ચાર તળાવોના જાેડાણ માટે જરૂરી સ્ટ્રોમ વોટર ગ્રેવીટી લાઈનો નાંખવામાં આવશે. જેના માટે રૂા.૮.૪૫ કરોડનો ખર્ચ થશે. સદર કામ પૂર્ણ થયા બાદ વટવા વોર્ડના પુનીતનગર ક્રોસીંગ તેમજ ચાર તળાવની આસપાસના વિસ્તારોમાં ગ્રાઉન્ડ વોટર લેવલમાં વધારો થશે.
વટવા તળાવ ઈન્ટરલીંકના બીજા ફેઝમાં રૂા.૬.૯૫ કરોડના ખર્ચથી આર.સી.સી.ડક્ટ લાઈન નાંખવામાં આવશે. જેમાં મહાલક્ષ્મી તળાવથી એસ.પી.રીંગ રોડ પર રોપડા ચાર રસ્તા પાસે આવેલા બબુન તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે ૨૨૬૦ મીટર લાંબી આર.સી.સી.ડકટ લાઈન બનાવવામાં આવશે. જ્યારે એસ.પી.રીંગ રોડ નીચે ૨.૫ મીટરઠ૧.૫ મીટરની આર.સી.સી. બોક્ષ પુશીંગ કામગીરી કરવામાં આવશે. જેની લંબાઈ ૬૦ મીટર રહેશે. રોપડા ચાર રસ્તા પાસે આવેલ બબુન તળાવમાં આર.સી.સી.આઉટલેટ સ્ટ્રક્ચર લાઈન બનાવવામાં આવશે. વટવા તળાવ જાેડાણનો લાભ એક લાખ નાગરીકોને મળશે.
અત્રે નોંધનીય છે કે, નવા પશ્ચિમ ઝોન વિસ્તારોમાં ઔડા સમયથી તળાવો ઈન્ટરલીંક કરવામાં આવ્યાં છે. ખોરજ તળાવથી છારોડી, જગતપુર, ગોતાના તળાવ અને આર.સી.ટેકનીકલ તળાવને ઈન્ટરલીંક કરવામાં આવ્યાં છે. તેવી જ રીતે દેવસીટી, યદુડી, ચાંદલોડીયા, રાણીપ અને સૈજપુર તળાવોના પણ જાેડાણ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના બાદ ખોરજ તળાવથી તમામ તળાવોને ભરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંગત રસ લઈને વટવા તળાવ ઈન્ટરલીંક પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે. સદર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વટવાના તળાવોમાં બારે મહિના પાણી રહેશે તેમજ ભૂ-સ્તર પણ ઉંચા આવશે જેનો લાભ વટવા વોર્ડના રહીશોને મળશે.