Western Times News

Gujarati News

વટવા વોર્ડના એક અધિકારીને ‘સેેફ પેસેજ’ આપવા તાકીદે બદલી થઈ

વોર્ડ ઈન્સ્પેક્ટરે સ્થાનિક વહીવટદારની સાથે સાંઠગાંઠ કરી અસંખ્ય ગેરકાયદે બાંધકામ કરાવ્યા હોવાના આક્ષેપ

(પ્રતીનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનના શાસકો પારદર્શક અને ભ્ર્‌ષ્ટાચારયુક્ત વહીવટની વાતો કરી રહ્યા છે ત્યારે તેમની નજર સામે જ ભ્રષ્ટ અધિકારીઓને સજામાંથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જ બદલી કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામાન્ય રીતે દર ત્રણ વરસે સાગમટે બદલીઓ થાય છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કે સેફ પેસેજ આપવા માટે એકલ-દોકલ બદલીઓની નવી પ્રણાલી શરૂ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આ પ્રથા કાયમી બની ગઈ હોવાની ચર્ચાએ જાેર પકડ્યુ છેે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં મંજુરી વિના બાંધકામ કરવાના ધંધામાં ભારે તેજી ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનને અનઅધિકૃત બાધકામનુ એ.પી. સેન્ટર માનવામાં આવે છે. જ્યારે દક્ષિણ ઝોન ભૂ-માફિયાઓ માટે સ્વર્ગ બની રહ્યો છે.

દક્ષિણ ઝોનમાં બિલ્ડરો, રાજકારણીઓ, અધિકારીઓ અને વહીવટદારોની મજબુત સાંઠગાંઠના કારણે બે રોકટોક અનઅધિકૃત બાંધકામ થઈ રહ્યા છે. ઝોનના વટવા, લાંભા, ઈસનપુર, બહેરામપુરા અનેે દાણીલીમડા વોર્ડ અનઅધિકૃત બાંધકામના ‘હબ’ બની ગયા છે.

આ વોર્ડમાં ફરજ બજાવનાર વોર્ડ ઈન્સ્પેક્ટર ત્રણ પેઢીઓ તરી જાય એટલા રૂપિયા કમાય છે. એવા આક્ષેપો પણ અવારનવાર થઈ રહ્યા છે. જેના કારણે જ આ પાંચ વોર્ડના વોર્ડ ઈન્સ્પેક્ટરો પર પગલાં લેવા માટે દબાણ થાય છે ત્યારે તાત્કાલિક તેમની બદલી થઈ જાય છે.

થોડા સમય પહેલાં બહેરામપુરા વોર્ડના વોર્ડ ઈન્સ્પેક્ટર ગીરીશ પટેલની આ પધ્ધતિથી જ તાબડતોબ બદલી કરવામાં આવી હતી. જયારે ગત સપ્તાહ દરમ્યાન વટવા વોર્ડના ઈન્સ્પેક્ટર હિમાંશુ લિંમ્બાચિયાની બદલી થઈ છે. હિમાંશુ લિમ્બાચિયા ના કાર્યકાળ દરમ્યાન વટવા વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હતો. તેમજ અક જ ‘વહીવટદાર’ની સાથે મજબુત સાંઠગાંઠ કરી છેલ્લા ચાર મહિનામાં પ૦ જેટલા બાંધકામ થયા હોવાના આક્ષેપ સામાજીક કાર્યકર આકાશ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

બહેરામપુરાના રહીશ અને સામાજીક કાર્યકર્તા આકાશ સરકારે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે વટવા વોર્ડના પૂર્વ વોર્ડ ઇન્સ્પેક્ટર હિંમાંશુ લિમ્બાચિયા સામે ભ્રષ્ટાચારના અસંખ્ય આરોપ હોવા છતાં તંત્રની બદલી કરવામાં આવી છે. તેમની બદલી રેગ્યુલર નથી.

તેમને સજામાંથી બચાવવા માટે ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમના ફરજકાળ દરમ્યાન વટવામાં ખુબજ મોટી સંખ્યામાં અનઅધિકૃત બાંધકામ થયા છે. તેથી પુનઃ વટવા વોર્ડમાં જ તેમની પુનઃ બદલી કરી તમામ બાંધકામ સામે કાર્યવાહી કરવાની ફરજ પાડવામાં આવે તો ભવિષ્યમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતા બંધ થઈ જશે.

હિમાંશુ લિમ્બાચિયાની નોકરી દરમ્યાન વટવામાં નિર્માણ થયેલા તમામ બાંધકામો સામે વિજીલન્સ અને એસીબી તપાસ  કરવામાં આવે તે જરૂરી છે. દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગમાં કેટલાંક વહીવટદારો અડ્ડો જમાવીને બેસી ગયા છે. વોર્ડ ઈન્સપેક્ટરો સાથે સાંઠગાંઠ કરીને આ લોકો ઈસનપુર, વટવા, બહેરામપુરા, સહિતના વોર્ડમાં અનઅધિકૃંત બાંધકામ કરાવી રહ્યા છે.

વટવા વોર્ડના પૂૃવ ઈન્સપેક્ટર હિમાંશુ લિંમ્બાચિયાએ પણ એક વહીવટદાર સાથે સાંઠગાંઠ કરીને મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરાવ્યા છે. જેમાં અમન પ્લાઝાની સામેેની ગલીમાં, સદાધાબાની બાજુમાં રહેણાંક પ્રકારની સ્કીમ, વટવા નવાપરામાં લકી રેસીડેન્સીની બાજુમાં આંખની હોસ્પીટલની પાછળના બાંધકામ, બોમ્બેે મોટર્સ સામે મહાવીર એસ્ટેટના બાંધકામ,

શેડ નં.૧૩ર/૧૩૩,રાજદીપ એસ્ટેટ, બીબી તળાવ પાસે, પ્લોટ નં.૧ અને ર, સંજરીનગર, નારોલ, ચિશ્તિયા પાર્ક, વટવા કેનાલ રોડ, અફઝલ રેસિડેન્ટસી, બાગે કૌશર પાછળ નારોલ, શાહજહાં પાર્ક, સૈયદવાડીના બાંધકામ મુખ્ય છે. હિમાંશુ લિમ્બાચિયાની બદલી ન થાય તેમજ તેમની સામેે કાયદાકીય કાર્યવાહી થાય

તે માટે રાજયના મુખ્યમંત્રી ,ગુજરાત તકેદારી આયોગ, મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેેન, મ્યુનિસિપલ કમિશ્નર, સમક્ષ લેખિત ફરીયાદ કરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.