વટારીયાની સુગર ફેકટરી દ્વારા શેરડીનું કટિંગ ન થતા જાનવરો દ્વારા લાખોનું નૂકશાન
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સંચાલિત અને વટારીયા ગામ પાસે આવેલ સુગર ફેક્ટરીના સંચાલનમાં થતા ગેરવહીવટનો ભોગ ખેડૂત સભાસદો બની રહ્યા હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
સંસ્થામાં ચાલતા ગંદા રાજકરણનો ભોગ ગરીબ અને મધ્યમવર્ગના ખેડુતોનો લેવાઈ રહ્યો છે.ખેડૂતો વર્ષ દરમ્યાન મહેનત કરી શેરડીનો પાક તૈયાર કરે છે અને જયારે કાપણીનો સમય આવે ત્યારે વહીવટકર્તાઓ ની ભૂલો કે ગેરવહીવટના કારણે સમયસર કટિંગ થતું નથી
જેના કારણે જંગલી જાનવરોના ઉપદ્રવને કારણે પાકમાં મોટું નુકશાન થઈ રહ્યુ છે.ગેરવહીવટના મુખ્ય કારણમાં વટારીયા સુગર ફેક્ટરી જરૂરિયાત મુજબના મજુરો પણ ઉપલબ્ધ કરી શકતી નથી જેથી કાપણી બાબતે સભાસદો તરફથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
વ્હાલાદવલાની નીતિનો ઉપયોગ થતા હોવાના આક્ષેપો પણ સભાસદો તરફ થી થઈ રહ્યા છે.જે સભાસદ નથી તેવા ખેડૂતોની બિનમંજુરીની શેરડી કપાતી હોવાની અને જે સભાસદોએ નોંધાવેલ છે એ સભાસદની શેરડી કાપવામાં આવતી ન હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે
તેવા અનેક કિસ્સાઓમાં ખેડૂતો પાસે હજારો રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને જો ના અપાય તો ચાલુ કટિંગ છોડી દેવામાં આવે છે. ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના શેરા ગામના ખેડૂત સેહજાદ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે “ ગણેશ સુગર માં વર્ષો થી એ સભાસદ છું અને શેરડીનો ૧૨ એકર માં વાવેતર કર્યું હતું જે માટે કટિંગ માટે કાયદા મુજબ નોંધાવેલ શેરડીને કાપવા માટે આવેલ મજૂરો દ્વારા મારી પાસે ૫૦૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી
જે ન ચુકવતા મજુરો શેરડી કટિંગ છોડી જતા રહ્યા છે.મજૂરો- અધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતના લીધે આજે પણ મારા ખેતરમાં હજુ ૫ એકરમાં કટિંગ બાકી છે.જ્યાં જંગલી જાનવરો દ્વારા મોટું નુકસાન થઈ રહ્યું છે.મે અનેક રજુઆતો કરી હોવા પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી.
જો હું જાતે અન્ય જગ્યાએ વેચાણ કરું તો હજારો રૂપિયા દંડ કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે.આમ વટારીયા સુગર દ્વારા પોતે સમયસર કાપણી કરતા નથી અને અમોને અન્ય વેચાણ પણ કરવા દેતા નથી જેથી અમોને મોટું નુકશાન થઈ રહ્યું છે.”