વડગામ તાલુકાના પરખડીના ર્ડા. અસ્મિતા સોલંકી અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવે છે
(માહિતી બ્યુરો, પાલનપુર), અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારીનો સામાનો કરી રહ્યું છે. આ કોરોના સામે ર્ડાકટરો, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ વગેરે કોરોના વોરીયર્સ બની સેવા આપી રહ્યા છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે વડગામ તાલુકાના પરખડીના ડો. અસ્મિતા સોલંકી અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહ્યા છે અને તેઓ માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં ડોક્ટર બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પરખડી ગામની દિકરી ર્ડા. અસ્મિતાબેન પોપટભાઇ સોલંકી લોકડાઉન થયું ત્યારથી તેઓ અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં ફરજ નિભાવે છે. ર્ડા. અસ્મિતા સોલંકીના પિતાશ્રી પોપટભાઇ સોલંકી સલૂનમાં કામ કરે છે અને માતા શ્રીમતી નયનાબેન ગૃહિણી છે.
માતા-પિતાની અથાગ મહેનત અને દિકરી અસ્મિતાની અભ્યાસ પ્રત્યેની રસ-રૂચિના લીધે ૨૩ વર્ષની ઉંમરમાં ર્ડાક્ટર બની આવા કપરા સમયમાં કોરોના દર્દીઓની સારવાર કરે છે. ડો.અસ્મિતા પોતાના પરિવારથી દુર રહી અમદાવાદ ખાતે સીવીલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં ખડેપગે સેવા આપે છે. કોરોના સંક્રમણને અટકાવવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી કોરોના વોરિયર્સ તરીકે દેશ સેવાનું ઉત્તમ કામ આ દિકરી કરી રહી છે. ર્ડા.અસ્મિતા સોલંકીએ કોરોના સામેના જંગમાં વોરિયર્સ બનીને યોગદાન આપ્યુ છે તે માટે સમગ્ર વડગામ તાલુકો અને પરખડી ગામ ગૌરવ અનુભવે છે.