વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચથી નિર્મિત ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/2502-palanpur.B.soni_.jpg)
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ઓક્સિજનની કમી પુરી કરવા માટે વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૫ મા નાણાંપંચ હેઠળ રૂ. ૪૮ લાખના ખર્ચથી નિર્માણ પામેલ ઓક્સિજન પ્?લાન્ટનું અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મિત આ ઓક્સિજન પ્?લાન્ટમાં ૨૦ પોઇન્ટ કાર્યરત છે. જેનાથી એક સાથે ૨૦ બેડ સુધી ઓક્સિજન પુરો પાડી શકાય છે. આ ઓક્સિજન પ્લાન્ટથી ૧ મીનીટમાં ૨૫૦ લીટર ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે એટલે કે એક દિવસમાં ૨૪ મોટી ઓક્સિજનની બોટલ ભરી શકાય છે. ૩ સ્ટેજ ફીલ્ટ્રેશનવાળા આ ઓક્સિજનની શુધ્ધતા ૯૩ થી ૯૬ ટકા છે અને ઓક્સિજન બોટલ ભરવા બુસ્ટર કંપ્રેશર વપરાય છે.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે પહેલી અને બીજી લહેરમાં ઓક્સિજન (પ્રાણવાયુ) ની કિંમત આપણને સમજાઇ છે. કોરોના સહિતની કોઇપણ ઇમરજન્સીના સમયે દર્દીઓને ઓક્સિજન વિના ટળવળવું ન પડે તે માટે જિલ્લાની મોટી હોસ્પીટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા ઉભી કરવાની સરકારશ્રીની નેમ હતી તે મુજબ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જેનાથી આકસ્મિક સંજાેગો અને ડિલીવરીના સમયે માતાને ઇમરજન્સી ઓક્સિજનની જરૂર પડે તો તે પુરો પાડીને માતા અને બાળકની જિંદગી બચાવી શકાશે. તેમણે કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટની ગાઇડલાઇન મુજબ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની જરૂરીયાત જણાય તો ઓક્સિજન સિલીન્ડર ભરીને આપી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડગામ તાલુકામાં ૨,૫૨,૩૭૮ વસ્તી છે. તેમની સારવાર માટે તાલુકામાં ૩ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪૬ સબ સેન્ટરો કાર્યરત છે. વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતા આ વિસ્તારના લોકોને તાલુકામાં ઉપલબ્ધ આરોગ્ય કેન્દ્રો મારફતે સારવાર મેળવવામાં ખુબ સરળતા રહેશે.
આ પ્રસંગે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરથીભાઇ ગોળ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, શ્રી હિતેષભાઇ ચૌધરી, શ્રી કનુભાઇ વ્યાસ, શ્રી કૈલાશભાઇ ગેહલોત, શ્રી માધુભાઇ રાણા, શ્રી પ્રવિણસિંહ રાણા, શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના, શ્રી વિજયભાઇ ચક્રવર્તી સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.