વડનગરથી મહેસાણા અને અસારવાથી હિંમતનગર ડેમુ ટ્રેન શરૂ થઈ
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલેનવી દિલ્હીથી લીલી ઝંડી આપી
નવી દિલ્હી, મહેસાણા જિલ્લાવાસીઓ માટે આજથી મહેસાણા-વડનગર વચ્ચે ડેમુ ટ્રેનનો શુભારંભ થઈ રહ્યો છે. છેલ્લા અમુક સમયથી મહેસાણા-વડનગર રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ કામ ચાલી રહયું હતુ. જેની કામગીરી પૂર્ણ થતા પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા મહેસાણા-વડનગર ડેમુ ટ્રેન દોડાવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ અસારવા (અમદાવાદ) હિંમતનગર ડેમુ ટ્રેનનો પણ પ્રારંભ કરાયો છે,આ બંને ડેમુ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવા માટે સેવા સર્વિસ ટ્રેન અંતર્ગત આ બંને ટ્રોનો દોડાવાઇ રહી છે.
આજે બપોરે 2-૦૦ કલાકે મહેસાણાથી વડનગર ડેમુ ટ્રેન/અસારવા (અમદાવાદ) હિંમતનગર ડેમુ ટ્રેનોને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલે ઓનલાઇન લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનોની સુવિધા મળી રહેતા મુસાફરો ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે તથા માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. મીટરગેજમાંથી બ્રોડગેજમાં રુપાંતર કરવાની કામગીરી પૂર્ણ થતા મહેસાણાથી વડનગર વચ્ચે રેલ સેવા પૂર્વવત કરવામાં આવી રહી છે.
જો કે આ ટ્રેન હાલમાં દિવસમાં બે વખત મહેસાણાથી વડનગર અને વડનગરથી મહેસાણા વચ્ચે દોડાવાશે. જ્યારે રવિવારના દિવસે ટ્રેન દોડાવવામાં આવશે નહીં.આવીજ રીતે અસારવા (અમદાવાદ) – હિંમતનગર ડેમુ ટ્રેન સપ્તાહ માં 6 દિવસ દોડશે,રવિવારે ટ્રેન દોડાવાશે નહીં.