વડનગર રેલવે સ્ટેશને મોદીની ચાની કિટલીને કાચથી મઢાશે
પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલની જાહેરાત
ગાંધીનગર, વડનગર રેલવે સ્ટેશનનું રિનોવેશન પૂર્ણ થઈ ચુક્યુ છે. આવનારા સમયમાં મહેસાણા-તારંગા વચ્ચે રેલ્વે વ્યવહાર પણ શરૂ થઈ જશે. આ બદલાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળપણના સંઘર્ષની સાક્ષી રહેલી ચાની કીટલી યથાસ્થિતિમાં રાખવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારના પર્યટન મંત્રી પ્રહલાદસિહ પટેલે રવિવારે મુલાકાત બાદ પ્લેટફોર્મ પર પતરાની દિવાલોમાં ક્ષીણ થઈ રહેલી આ દુકાનને ચારેય બાજુથી કાચમાં મઢવાનું જાહેર કર્યું હતું.
નરેન્દ્ર મોદી બાળપણમાં જ્યાં ચા વેચી હતી એ દુકાન વડનગર રેલવે સ્ટેશન બંધ થયા બાદ પણ એમનેમ રાખવામાં આવી હતી. એ વખત રેલવે સ્ટેશનના રિનોવેશન પછી ચાની દુકાને પણ નવા રંગરૂપ આપવા કે યથાસ્થિતિમાં જાળવવી તે અંગેનો નિર્ણય લેવાનું નકકી થયુ હતું. મહેસાણા જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદસિહ પટેલે તેનો નિર્ણય લેવાઈ ગયાનું જણાવીને જર્જરિત થયેલી ચાની દુકાનેને ચારેય તરફ કાચ લગાવીને ઢાંકી દેવાશે તેમ જાહેર કર્યું હતું
જેથી અહીં આવતા પર્યટકો નરેન્દ્ર મોદીના બાળપણની વાતો અંગે જાણી શકે, સંઘર્ષથી વાકેફ થઈ શકે. સ્થાનિક કલેકટર, સાંસદની સાથે મંત્રીએ બેઠક યોજીને વડનગર સહિતના ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે ચાલી રહેલા કામો અને ભાવી આયોજનો અંગે સમિક્ષા કરી હતી.