Western Times News

Gujarati News

વડાપ્રઘાનની બેઠક બાદ અનેક રાજ્યોના મુખ્યમંત્રી અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે : મમતા બેનર્જી

કોલકતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-૧૯ મેનેજમેન્ટ અંગે ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ હતા. પરંતુ તેમને બોલવાની તક ન મળવાના કારણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડક્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમારું અપમાન કરવામાં આવ્યું.

પીએમ સાથેની બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે “બેઠક બાદ અનેક રાજ્યોના મુખ્યમંત્રી અપમાનિત મહેસૂસ કરી રહ્યા છે કારણ કે પ્રધાનમંત્રીએ મીટિંગ માટે મુખ્યમંત્રીઓને બોલાવ્યા, પણ આ દરમિયાન તેઓ કઠપૂતળીને જેમ બેસી રહ્યા અને કોઈને પણ બોલવાની તક મળી નહીં.”

તેમણે કહ્યું કે “ફેડરલ સ્ટ્રક્ચર માટે આ દુઃખદ છે કે મુખ્યમંત્રીને અધિકૃત રીતે આમંત્રિત કરવા છતાં બોલવા ન દેવાયા.મમતા બેનર્જીએ કહ્યું કે પ્રધાનમંત્રી એટલા ડરેલા છે કે તેઓ સીએમની વાત જ સાંભળવા નથી માંગતા. તો પછી મુખ્યમંત્રીઓને કેમ બોલાવ્યા હતાં? આ એક કેઝ્‌યૂઅલ મીટિંગ હતી. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક ભાજપ શાસિત રાજ્યોના ડીએમને બોલવા દેવાયા હતા. જે તેમની પસંદના હતા. મેડિસિન કે રસી અંગે વાત ન થઈ. મે વિચાર્યું હતું કે હું તેમને અમને કોરોના રસી આપવાનો આગ્રહ કરીશ.

મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના કેસ વધ્યા તો કેન્દ્રીય ટીમ મોકલી દેવાઈ, પરંતુ ઉત્તર પ્રદેશમાં ગંગામાંથી શબ મળ્યા તો ત્યાં કેમ ટીમ ન મોકલી. દેશ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ પીએમ મોદી કેઝ્‌યૂઅલ એપ્રોચ અપનાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.