વડાપ્રધાનના જન્મ દિવસે મુખ્યમંત્રીના હસ્તે મોટાપાયે વૃક્ષારોપણ થશે

વોર્ડ દીઠ નિઃશુલ્ક મેડીકલ કેમ્પના આયોજન થશેઃ કેમ્પના પ્રચાર પ્રસાર માટે રૂા.ર લાખની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. વડાપ્રધાનના જન્મદિવસે બાપુનગરના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમમાં ૭૧ હજાર વૃક્ષ લગાવી રેકર્ડ પ્રસ્થાપિત કરવામાં આવશે. વૃક્ષારોપણની શરૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે. તદ્પરાંત વોર્ડ દીઠ હેલ્થ કેમ્પના આયોજન થશે. જેના પ્રચાર-પ્રસાર માટે કેમ્પ દીઠ રૂા.બે લાખની મર્યાદામાં ખર્ચ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
વડાપ્રધાનના જન્મ દિવસે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડમાં નિઃશુલ્ક મેડીકલ ચેક અપ કેમ્પના આયોજન કરવામાં આવશે. જેમાં નાગરીકોને વિવિધ રોગની વિનામુલ્યે ચકાસણી અને સારવાર કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પ માટે એલ.જી, શારદાબેન, નગરી તેમજ વી.એસ. હોસ્પિટલના નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે તેમજ વેકટર બોર્ન ડીસીઝ પ્રોગ્રામ, નેશનલ ટી.બી. પ્રોગ્રામ એઈડસ કંટ્રોલ પ્રોગ્રામ તેમજ અન્ય સરકારી યોજનાઓ અંગે જનજાગૃતિ માટે જરૂરી આયોજન કરવામાં આવશે.
હેલ્થ વિભાગ દ્વારા ડોકટર્સ, પેરા મેડીકલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ જરૂરી દવાઓ સી.એમ.એસ સપ્લાય કરશે. જે નાગરીક/ દર્દીને વધુ સારવારની જરૂરીયાત જણાય તેવા કેસ મ્યુનિ. જનરલ હોસ્પીટલમાં રીફર થશે. મ્યુનિ. કોર્પોરેશનના નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પના પ્રચાર-પ્રસાર માટે પત્રિકાઓ, બેનર્સ, રીક્ષા પ્રચાર, ફરજ પરના સ્ટાફ માટે ભોજન વ્યવસ્થા તથા અન્ય વ્યવસ્થા હેલ્થ વિભાગ કરશે, જેના માટે કેમ્પ દીઠ રૂા.બે લાખની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.
વડાપ્રધાનના જન્મ દિવસે “મીશન મીલીયન ટ્રીઝ” કાર્યક્રમ અંતર્ગત લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે કુલ ૧ લાખ રપ હજાર રોપા લગાવવા આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૭ સપ્ટેમ્બરે જ ૭૧ હજાર રોપા મીયાંવાકી પધ્ધતિથી લગાવવામાં આવશે.
વૃક્ષારોપણની શરૂઆત નવનિયુક્તિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના હસ્તે થશે. લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડીયમમાં ઓકસીજન પાર્ક તૈયાર થશે જેના માટે સ્ટેડીયમમાં લીમડો, ગરમાળો, નગોડ, ગુલમહોર, કણજી, ગુંદા, ખાખરો, સપ્તપણી સહીતના વૃક્ષ લગાવવામાં આવશે.
અગાઉ ગોતા ખાતે એક જ દિવસમાં ૬પ હજાર રોપા લગાવવામાં આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે મુખ્યમંત્રી પદે નિયુક્તિ થઈ તેના થોડા કલાકો અગાઉ ભુપેન્દ્રભાઈ પટેલે વૃક્ષારોપણ કર્યુ હતું જયારે મુખ્યમંત્રીપદે નિયુક્ત થયા બાદ પ્રથમ સરકારી કાર્યક્રમમાં પણ તેઓ વૃક્ષારોપણ કરશે.
વડાપ્રધાનના જન્મ દિવસે યોજાનાર મેડીકલ કેમ્પમાં નીચે મુજબની સારવાર મળશે
• જનરલ મેડીકલ ચેકઅપ
• નિઃશુલ્ક ઈલેકટ્રા કાર્ડિયાગ્રામ દ્વારા હ્ય્દયરોગની તપાસ
• સ્ત્રી રોગોનું નિદાન તથા સારવાર
• બાળરોગનું નિદાન તથા સારવાર
• લેબોરેટરી તપાસ,
• થેલેસેમીયા મેજર-માઈનોર અંગેની તપાસ
• નિષ્ણાત ડોકટર્સની ટીમ દ્વારા જરૂરી તપાસ
• દવાઓનું વિનામૂલ્યે વિતરણ
• આયુર્વેદીક સારવાર વિગેરે