વડાપ્રધાનના જન્મ દિવસે લા.બ. શાસ્ત્રી સ્ટેડીયમમાં ૭૧ હજાર વૃક્ષ વાવવામાં આવશે
મ્યુનિ. બગીચા વિભાગે સતત ત્રીજા વરસે દસ લાખ કરતા વધુ રોપા લગાવ્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ખરા અર્થમાં હરિયાળી ક્રાંતિ આવી છે. મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકપક્ષ ખભેખભા મીલાવીને મોટાપાયે વૃક્ષારોપણ કરી રહયા છે. ર૦૧૯ અને ર૦ર૦માં દસ લાખ કરતા વધુ વૃક્ષ લગાવ્યા બાદ સતત ત્રીજા વરસે પણ “મીલીયન ટ્રી મીશન” સિધ્ધ કરવામાં આવ્યુ છે.
ર૦ર૧માં પણ દસ લાખ કરતા વધુ રોપા લગાવીને બગીચા વિભાગે હેટ્રીક કરી છે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના મોટા રીઝર્વ પ્લોટ તેમજ તળાવ ફરતે વૃક્ષારોપણ થઈ રહયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે ગોતામાં એક જ દિવસે એક જ સ્થળે ૬પ હજાર વૃક્ષ લગાવવામાં આવ્યા હતા તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે પણ એક જ સ્થળે એક જ દિવસે ૭૧ હજાર વૃક્ષ લગાવવામાં આવશે.
વડાપ્રધાનના જન્મ દિવસે વૃક્ષારોપણ કરવા માટે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમની પસંદગી કરવામાં આવી છે. આ દિવસે વોર્ડ દીઠ મેડીકલ કેમ્પના આયોજન પણ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના ગ્રીન કવચને ૧પ ટકા સુધી લઈ જવા માટે મ્યુનિ. બગીચા વિભાગ દ્વારા સતત પ્રયાસ થઈ રહયા છે જેને સતાધારી પાર્ટી તરફથી પુર્ણ સહકાર મળી રહયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારની માફક પૂર્વ પટ્ટાને પણ લીલોછમ બનાવવા માટે ૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મ દિવસે ૭૧ હજાર વૃક્ષ લગાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમની ફરતે ૪૦ કરતા વધુ પ્રકારના વૃક્ષ લગાવવામાં આવશે. સ્ટેડીયમમાં કુલ ૧ લાખ રપ હજાર રોપા લગાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે જે પૈકી ૭૧ હજાર રોપા એક જ દિવસે લાગશે.
અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસે ગોતા વોર્ડના સ્મૃતિભવનમાં ૬પ હજાર રોપા લગાવવામાં આવ્યા હતા. વડાપ્રધાનના જન્મદિવસે નિકોલ અને નરોડા ફાયર સ્ટેશનના લોકાર્પણ થઈ શકે છે તદ્પરાંત વોર્ડ દીઠ હેલ્થ કેમ્પના આયોજન પણ કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે મ્યુનિ. બગીચા વિભાગે “મીશન મીલીયન ટ્રી”ની હેટ્રિક નોધાવી છે. ર૦૧૯ અને ર૦ર૦ બાદ ર૦ર૧માં પણ દસ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવ્યા છે. મ્યુનિ. બગીચા વિભાગના ડાયરેકટર જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા મુજબ સાત સપ્ટેમ્બર સુધી મધ્યઝોનમાં ર૧ર૭૯, પૂર્વ ઝોનમાં ૩૦૬૪૭૧, પશ્ચિમ ઝોનમાં ૧૮૧૧૧૬, ઉત્તરઝોનમાં ૭૬૭૧૮, દક્ષિણ ઝોનમાં ૧૭ર૩૧૦, ઉ.પ.ઝોનમાં ર૦૭૩૦૮ અને દ.પ.ઝોનમાં ૧૦૮૧૮ર મળી કુલ ૧૦૭૩૬પ૪ રોપા લગાવવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારી કેમ્પસ (જી.આઈ.ડી.સી)માં ૯૬૪૦૯, ગીયા વૃક્ષારોપણ ૯પ૪૮૭, બાઉન્ડી પ્લાન્ટેશન ૩૧૮પર, નર્સરી રોપા વિતરણ-પ૭૩૬૦ તેમજ મીયાવાકી પધ્ધતિથી ૧૩૦૯પ૬ વૃક્ષ રોપવામાં આવ્યા છે. શહેરના થલતેજ, મકરબા, નરોડા, વસ્ત્રાલ, ગ્યાસપુર અને ઓઢવ ખાતે મીયાવાકી પધ્ધતિથી વનીકરણ કરવામાં આવ્યુ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.