વડાપ્રધાનના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ :વિજયભાઇ રૂપાણી
વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશેઃ આગામી બે વર્ષ સુધી ડેમમાં પાણી ખુટશે નહીં – મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
કેવડિયા ખાતે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરે છલકાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મા નર્મદાના નીરના ઇ-વધામણાં– પૂજન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્યમંત્રી શ્રી યોગેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે મા નર્મદાના જળનું પૂજન- અર્ચન કરાયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે જળ જરૂરી છે. “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરથી સરદાર સરોવર ડેમ ખાતે મા નર્મદા નીરના ઇ-વધામણાં કરતાં જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખૂબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૭મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય. નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જરૂર પડી તો ઉપવાસ આંદોલન, સંઘર્ષ કરીને સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરાવ્યું.
#SardarSarovarDam achieves Full Reservoir Level of 138.68 mtrs. First video of opening of dam gates and majestic view of water flow being shared on this proud moment.
नमामि देवी नर्मदे pic.twitter.com/u5Oya4RYVT
— Vijay Rupani (@vijayrupanibjp) September 17, 2020
તેમણે કહ્યું હતું કે, સાત વર્ષ સુધીની સરકારે ડેમના દરવાજા પણ લગાવવાની મંજૂરી આપી ન હતી પણ નરેન્દ્રભાઇ મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં ડેમના દરવાજા લગાવવાની અને બંધ કરવાની મંજૂરી તેમજ ગયા વર્ષે ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી પણ આપી. નર્મદા ડેમનું સંપૂર્ણ કામ આપણે પુરૂ કર્યુ. તેના ફળ સ્વરૂપે કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં છેવાડાના ગામ સુધી, ૭૦૦ કિ.મી. સુધી આ નર્મદાના પાણીને પહોંચાડીને ગુજરાતની જનતાને આપણે સિંચાઇ, ખેતી અને પીવાના પાણી આપી શક્યા છીએ. મા નર્મદે સર્વદે ખરા અર્થમાં સાબિત થઈને ગુજરાતનો સર્વાંગી વિકાસ થશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, આજે પુનઃ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની સપાટીએ ભરાયો છે અને આજે મા નર્મદા પવિત્ર નીરના ઇ-વધામણાં કર્યા છે. આવનાર બે વર્ષ સુધી મા નર્મદાનું પાણી ગુજરાતના વિકાસને હરણફાળ ગતીથી આગળ વધારીને વિકાસની નવી દિશા કંડારશે. જળ વિના જીવન નહી અને પાણી વિના વિકાસ નહી. ગુજરાતના વિકાસ માટે આ જીવાદોરી સાબિત થશે. આવનારા દિવસોમાં સરદાર સરોવર આપણા વિકાસની નવી તાકાત બનશે અને મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને મુખ્યમંત્રીશ્રીએ ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્ચાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.
શ્રી રાજીવ ગુપ્તાએ આ પ્રસંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ખેડૂતોને સિંચાઇ અને જનતાને પીવાનું પાણી મળી રહે તે માટે વિશેષ ચિંતા કરી છે. મુખ્યમંત્રીશ્રીના સતત માર્ગદર્શનથી આ વર્ષે સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો અડધો હોવા છતાં આપણે આ ડેમ સંપૂર્ણ ભરી શક્યા છીએ.