વડાપ્રધાનની અર્થશાસ્ત્રી -નિષ્ણાતો સાથે બે કલાક ચર્ચા
નવીદિલ્હી: ૨૦૨૦-૨૧ માટેના કેન્દ્રીય બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટોચના અર્થશાસ્ત્રીઓ અને જુદા જુદા સેક્ટરના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. નીતિ આયોગમાં નિષ્ણાતો સાથે આ બેઠક યોજાઈ હતી જેમાં અર્થતંત્રની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. સાથે સાથે વિકાસમાં તેજી લાવવા માટે કયા પગલા લઇ શકાય છે તે વિષય ઉપર પણ વાતચીત કરી હતી. આ હાઇપ્રોફાઇલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, નીતિ આયોગના ઉપપ્રમુખ રાજીવ કુમાર, સીઈઓ અમિતાભ કાંત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના ચેરમેન વિવેક દેબેરોય પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સહિતના જુદા જુદા વિષયો ઉપર આમા ચર્ચા થઇ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. સોમવારના દિવસે વડાપ્રધાને અર્થતંત્રની સામે રહેલા મુદ્દાઓ ઉપર ટોચના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. રોજગારીને વધારવાના મુદ્દા ઉપર એ વખતે ચર્ચા થઇ હતી.