વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક યોજાશે
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના જુદા-જુદા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી બેઠક યોજનાર છે. ત્યારે આ બેઠક પછી શું નિર્ણય લેવામાં આવશે તેને લઈને લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે જાકે રાજકીય પંડિતો ફરીથી લોકડાઉનની વાતનો છેદ ઉડાડી રહયા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ રાજયમાં લોકડાઉનની વાતને અફવા ગણાવી હતી એટલે હવે લોકડાઉનની જગ્યાએ કેન્દ્ર કેવા પગલા લેશે તેને લઈને ચર્ચાઓ ઉઠી રહી છે.
ખાસ તો જે રાજયોમાં કોરોનાના કેસ વધી રહયા છે તેવા જીલ્લાઓમાં કોરોનાના ટેસ્ટીંગ વધારવામાં આવશે તો રાજય સરકારની ગાઈડ લાઈનનું કડક પાલન કરાવવામાં આવશે તે પ્રકારના નિર્ણયો લેવાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને સૌ પ્રથમ વખત માર્ચ મહિનામાં દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ હતુ ત્યાર પછી લગભગ બે મહિનાના લાંબા સમયના લોકડાઉન પછી અનલોક-૧ની જાહેરાત કેન્દ્ર તરફથી કરાઈ હતી.
અનલોક-૧ પછી દેશમાં કોરોનાના કેસ વધ્યા હોવાની વાત કેન્દ્રના ધ્યાન પર આવતા જ વડાપ્રધાન દેશના જુદા-જુદા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. આજે બપોરે ત્રણ વાગ્યે ૧૭ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને તેમના વિચારો જાણશે ત્યારપછી આવતીકાલે ૧પ રાજયોના મુખ્યમંત્રી સાથે ચર્ચા- વિચારણા કરશે. આવતીકાલે ગુજરાત, દિલ્હી,મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન વાતચીત કરશે તેથી આવતીકાલની વડાપ્રધાનની બેઠક પર સૌ કોઈની નજર મંડાઈ છે.
મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે તે ચિંતાનો વિષય છે તેથી વડાપ્રધાન આવતીકાલે આ રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી રજેરજ માહિતી મેળવશે. આમ તો ફરીથી લોકડાઉનની વાતનો છેદ રાજય સરકારે ઉડાડી દીધો છે ગુજરાતમાં લોકડાઉનની ચર્ચાઓ, અટકળોને માત્ર અફવા ગણાવાઈ છે જાકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ તો તાજેતરમાં નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે સરકારની ગાઈડલાઈનનું પાલન નહિ થાય અને કોરોનાના કેસ વધશે તો પુનઃ લોકડાઉન આવી શકે છે ?? અલબત ચેન્નઈ સહિત તમિલનાડુના ચાર જીલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
વડાપ્રધાન એક તરફ આજે અને કાલે દેશના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરનાર છે તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા બે દિવસથી દિલ્હીની સ્થિતિને લઈને ચિંતિત છે. દિલ્હીમાં કોરોનાની સ્થિતિને લઈને તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે દિલ્હીમાં કોરોના ટેસ્ટીંગ વધારવા પર ભાર મૂકાઈ રહયો છે વડાપ્રધાન આજકાલમાં દેશના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કર્યા પછી કદાચ આ કોરોનાના ટેસ્ટીંગની તર્જ પર આગળ વધશે તેવો તર્ક વ્યકત થઈ રહયો છે. વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓના અભિપ્રાયો મેળવ્યા પછી આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. ખાસ તો મુખ્યમંત્રીઓ શું કહે છે તે પર નિર્ણય લેવાશે.