વડાપ્રધાને કેબિનેટ સાથે બેઠક કરી: દરેક રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું
નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગપર આવેલા તેમના ઘરે કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠક અંદાજે ૧૦.૧૫ વાગતા પૂર્ણ થઈ હતી. સામાન્ય રીતે આ બેઠક બુધવારે કરવામાં આવતી હોય છે. પરંતુ કાશ્મીર મુદ્દાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન દ્વારા આજે જ કેબિનેટ બેઠક કરવામાં આવી હતી. આજે કેબિનેટ બેઠક પહેલાં વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોભાલ સાથે પણ બેઠક કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીર મુદ્દે સરકાર આજે કોઈ મહત્વનો નિર્ણય લે તેવી શક્યતા છે. આજે અમિત શાહ અને અજીત ડોભાલ સાથે બેઠક કર્યા પછી વડાપ્રધાને સુરક્ષા સમિતિ અને સંસદીય સમિતિ સાથે પણ બેઠક કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં થયેલી હચલલ દરમિયાન કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને એલર્ટ કર્યા છે. જ્યારે અમુક રાજ્યોને હાઈ એલર્ટ ઉપર પણ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં એન્ટી રાઈટ ડ્રિલ વિશે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચીવ રાજીવ ગૌબા અને અન્ય સીનિયર અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા અને હાલની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી.
રવિવારે રાત્રે ૧૨ વાગ્યાથી શ્રીનગરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઘણાં સંવેદનશીલ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.