વડાપ્રધાને ખેલ મહાકુંભ ૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શનિવારે ખેલ મહાકુંભ ૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો. ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વડાપ્રધાને ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, મારી સામે યુવા જાેશનો સાગર છે. આ ફક્ત રમતનો મહાકુંભ નથી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. મેં રોપેલા બીજને આજે હું આટલા વિશાળ વટવૃક્ષનો આકાર લેતા જાેઈ રહ્યો છું.
૨૦૧૦માં પહેલા ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ગુજરાતે ૧૬ રમતોમાં ૧૩ લાખ ખેલાડીઓ સાથે શરૂઆત થઈ હતી. મને ભૂપેન્દ્ર ભાઈએ જણાવ્યું કે ૨૦૧૯માં ખેલ મહાકુંભમાં આ ભાગીદારી ૧૩ લાખથી વધીને ૪૦ લાખ સુધી પહોંચી ગઈ છે. હવે આંકડો ૪૦ લાખથી વધીને ૫૫ લાખ પર પહોંચી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, ખેલાડી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેની પાછળ ઘણી મોટી તપસ્યા હોય છે. ગુજરાતના લોકોએ મળીને જે સંકલ્પ લીધો હતો તે આજે વિશ્વમાં પોતાનો ઝંડો ફરકાવી રહ્યો છે.
આ ગુજરાતની યુવા શક્તિનો તમને ગર્વ છે? ગુજરાતના ખેલાડીઓ પરાક્રમ કરી રહ્યા છે તેનો ગર્વ થઈ રહ્યો છે? કોમનવેલ્થ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ સહિત ગુજરાતના ખેલાડીઓ દેશના અને ગુજરાતનો યુવા પોતાનો જલવો દેખાડી રહ્યા છે. આવી જ પ્રતિભા આ મહાકુંભથી બહાર આવવાની છે. ખેલાડી રમતના મેદાનમાંથી ઉભરે છે અને વિશ્વમાં દેશનું ગૌરવ વધારે છે.
સાથીઓ એક સમય હતો જ્યારે ખેલ જગતમાં ભારતની ઓળખ ફક્ત એક-બે રમતના ભરોસે ટકેલી હતી. તેનું પરિણામ એ આવ્યું કે જે રમતો દેશના ગૌરવ અને ઓળખ સાથે જાેડાયેલા હતા તેને પણ ભૂલાવી દેવામાં આવ્યા હતા. તેના કારણે રમતો સાથે જાેડાયેલા સંસાધનો વધારવા, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા પર જેટલું ધ્યાન આપવું જાેઈતું હતું તે એક પ્રકારે અટકી ગયું હતું.
એટલું જ નહીં જેવી રીતે રાજકારણમાં ભાઈ-ભત્રીજા વાદ ઘૂસી ગયો છે તેવી જ રીતે રમતોમાં પણ ખેલાડીઓની પસંદગીમાં પણ થયું છે. ખેલાડીઓની પ્રતિભા મુશ્કેલીઓનો સામનો કરવામાં જ વપરાઈ જતી હતી. પરંતુ આજે ભારતીય યુવા આજે આકાશને આંબી રહ્યા છે.
ગોલ્ડ અને સિલ્વર મેડલની ચમક દેશના આત્મવિશ્વાસને પણ ચમકાવી રહ્યા છે અને ચમત્કારનો અનુભવ પણ કરાવી રહી છે. વિશ્વનો સૌથી યુવાન દેશ રમતના મેદાનમાં પણ એક તાકાત બનીને ઊભર્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ તેમાં આપણા ખેલાડીઓએ આ પરિવર્તનને સાબિત કર્યું છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતે પ્રથમ વખત સાત મેડલ જીત્યા છે. આ જ રેકોર્ડ ભારતના દીકરા-દીકરીઓએ ટોક્યો પેરાલિમ્પિકમાં પણ બનાવ્યો.
ભારતે આ વૈશ્વિક સ્પર્ધામાં ૧૯ મેડલ જીત્યા. પરંતુ આ તો હજી શરૂઆત છે. ભારત રોકાવાનું નથી અને ભારત થાકવાનું નથી. મને મારા દેશની યુવા શક્તિ પર વિશ્વાસ છે. મને મારા દેશના યુવા ખેલાડીઓની તપસ્યા પર વિશ્વાસ છે. મને મારા દેશના યુવા ખેલાડીઓના સપના, સંકલ્પ અને સમર્પણ પર વિશ્વાસ છે. તેથી આજે હું લાખો યુવાનો સામે હિંમત સાથે કહી શકું છું કે ભારતની યુવા શક્તિ આને ઘણા આગળ સુધી લઈ જશે.
તે દિવસ હવે દૂર નથી જ્યારે આપણે ઘણી રમતોમાં ઘણા ગોલ્ડ એક સાથે જીતવાના છીએ. ભારતનો ત્રિરંગો પણ લહેરાતો હશે. આ વખતે યુક્રેનથી જે યુવાનો પાછા આવ્યા છે, યુદ્ધના મેદાનમાંથી આવ્યા છે, દારૂગોળાની વચ્ચેથી આવ્યા છે. આવીને તેમણે કહ્યું કે આજે ત્રિરંગાની આન, બના અને શાન શું છે તે અમે યુક્રેનમાં અનુભવ્યું છે. પરંતુ હું એક બીજા દ્રશ્ય તરફ તમને લઈ જવા ઈચ્છું છું, જ્યારે આપણા ખેલાડીઓ મેડલ મેળવીને પોડિયમ પર ઊભા રહેતા હતા અને ત્રિરંગો લહેરાતો હતો અને રાષ્ટ્રગાન ગવાતું હતું ત્યારે આપણા દેશના ખેલાડીઓની આંખોમાંથી ગૌરવ અને ખુશીના આંસુ છલકતા હતા.
આ છે દેશભક્તિ. ભારત જેવા યુવા દેશને દિશા આપવામાં તમારા જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. આવતીકાલનું ઘડતર યુવાન જ કરી શકે છે અને તે જ કરી શકે છે જે તેના માટે સંકલ્પ લે છે અને સંકલ્પ સાથે સમર્પણથી જાેડાઈ જાય છે. આજે આ ખેલ મહાકુંભમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોથી તમે લાખો યુવાનો અહીં એક સાથે આવ્યા છો. તમે તમારા સપના પૂરા કરવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છો. હું આ ક્ષેત્રમાં તમારું ભવિષ્ય જાેઈ રહ્યો છું, તમારા જિલ્લાનું ભવિષ્ય જાેઈ રહ્યો છું. હું ગુજરાત અને દેશનું ભવિષ્ય તેમાં જાેઈ રહ્યો છું.
આપણા યુવાનોએ ભારતના સામર્થ્યને સાબિત કરીને દેખાડ્યું છે. આજે સોફ્ટવેરથી લઈને ડિફેન્સ સુધી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધી ભારતનો દબદબો છે. દુનિયા ભારતને એક મોટી શક્તિ તરીકે જાેઈ રહી છે. ભારતની આ શક્તિને સ્પોર્ટ્સ સ્પિરિટ, ખેલદિલી અનેક ઘણી વધારી શકે છે.
આ જ તમારી સફળતાનો મંત્ર છે. તેથી હું હંમેશા કહું છું કે જાે ખેલે વોહી ખીલે. મારી તમામ યુવાનો માટે સલાહ છે કે સફળતા માટે ક્યારેય કોઈ શોર્ટ કટ શોધતા નહીં. તમે રેલવે સ્ટેશન પર જાેવો છો કે ઘણા લોકો બ્રિજ ક્રોસ કરવાને બદલે પાટા ઓળંગીને જાય છે. પરંતુ શોર્ટ કટનો રસ્તો ઘણો અલ્પજીવી હોય છે. સફળતાનો મંત્ર ફક્ત એક જ છે લોંગ ટર્મ પ્લાનિંગ અને કન્ટિન્યુઅસ કમિટમેન્ટ. આપણા વેદોએ કહ્યું છે કે, ચરૈવેતી, ચરૈવેતી, ચરૈવેતી.
આપણો દેશ તમામ પડકારો વચ્ચે રોકાયા વગર, થાક્યા વગર અને ઝુક્યા વગર આગળ વધી રહ્યો છે. આપણે બધાએ મળીને સતત પરિશ્રમ સાથે સતત આગળ વધવાનું છે. સ્પોર્ટ્સમાં આપણે જીત માટે ૩૬૦ ડિગ્રી પ્રદર્શન કરવાની જરૂર હોય છે. સમગ્ર ટીમે પ્રદર્શન કરવાની જરૂર હોય છે.SSS