વડાપ્રધાને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામના પાઠવી
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરી છે. પીએમ મોદીએ ટિ્વટ કરીને કહ્યું, ‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામના. હું તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું.જણાવી દઈએ કે, ‘ઠાકરે ૬૧ વર્ષના થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ૨૭ મી જુલાઇએ તેમનો જન્મદિવસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, પૂર અને કોવિડ -૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને ન ઉજવવાનો ર્નિણય કર્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકરોને કોરોના ઇન્ફેક્શનની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસની ઉજવણી ન કરવા અને કોરોના સલામતીના ધોરણોનું સખતપણે પાલન કરવા અને જાહેર કાર્યક્રમોનું આયોજન ન કરવા તાકીદ કરી છે.
ઉદ્ધવ ઠાકરેનો જન્મ આ દિવસે મુંબઇમાં ૧૯૬૦ માં થયો હતો. તે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના પુત્ર છે અને મહારાષ્ટ્રના ૧૯ મા મુખ્ય પ્રધાન છે. શિવસેનાએ લાંબા સમયથી ભાજપ સાથે રાજકીય જાેડાણ રાખ્યું હતું, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ગત ચૂંટણીમાં ઉદ્ધવે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતાના મતભેદો પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવ્યો હતો.