વડાપ્રધાન કાશ્મીરમાં જવાનોની સાથે દિવાળી ઉજવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની માફક જવાનોની સાથે દિપાવલી મનાવશે. શ્રી મોદી જમ્મુ-કાશ્મીર જશે અને રાજોરી જીલ્લાના નાશહરામાં સૈનિકો સાથે દિપાવલી મનાવશે.
મોદીની આ મુલાકાત સમયે સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહેશે. શ્રી મોદી વડાપ્રધાન બન્યા બાદ દરેક દિપાવલી અલગ અલગ સરહદ પર સૈનિકોની સાથે મનાવે છે અને છેક અંકુશરેખા કે આંતરરાષ્ટ્રીય સરહદ સુધી જાય છે.
મોદી આ વર્ષે રાજૌરીના નૌશહરા જશે જયાં તેઓની સુરક્ષાની જવાબદારી નૌશહરા બ્રિગેડને આપવામાં આવી છે અને હવાઈદળ પણ ખાસ અવકાશી સુરક્ષાની ચિંતા કરશે. કાશ્મીરમાં કલમ 370ની નાબુદી બાદ મોદીની આ રાજયની બીજી મુલાકાત હશે.
તેઓ 2019માં રાજૌરી જ આવ્યા હતા અને સૈન્યના એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મોદી વડાપ્રધાન બન્યા બાદ 2014માં જ દિપાવલી પર સિયાચીન પહોંચ્યા હતા અને 2017માં બાંદીપોરામાં દિપાવલી મનાવી હતી.