વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે સુરત આવશે
સુરત, વડાપ્રધાન મોદી ડિસેમ્બર મહિનામાં ગુજરાતના પ્રવાસે આવશે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ૧૭ ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરશે. સાથે જ એરપોર્ટના નવા વિસ્તરણ યોજનાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. હીરા બુર્સનું ૬૬ લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે.
૧૫ માળના ૯ ટાવરમાં અંદાજે ૪ હજાર ૫૦૦ ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે. વડાપ્રધાન ઓફિસ તરફથી કાર્યક્રમની મૌખિક જાણકારી આપવામાં આવી છે. હજુ ફાઇનલ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સહકારી ધોરણે ૩૪૦૦ કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજાેદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્ધાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે.
ઉદ્ધાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્ધાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદ્ઘાટન સમયે ૪૨૦૦ પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ વગેરેની સુવિધાઓ પણ કાર્યરત કરી દેવામાં આવશે.SS1MS