વડાપ્રધાન મોદીએ દેશના 22 શહેરોમાં મેટ્રો તથા AIIMS વિકસાવી: મુખ્યમંત્રી

Zee24 કલાક મહાસન્માન કાર્યક્રમની 9મી આવૃત્તિનું આયોજન અમદાવાદ ખાતે કરાયું-Zee 24 કલાક દ્વારા આયોજિત મહાસન્માન 2025ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે એવોર્ડથી સન્માનિત કરાયા
વડાપ્રધાનશ્રી વર્ષ 2036માં ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવાનો વિચાર આજે કરી રહ્યા છે તેઓ દીર્ઘદૃષ્ટા છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Zee 24 કલાક દ્વારા આયોજિત મહાસન્માન કાર્યક્રમની 9મી આવૃત્તિનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દીર્ઘદ્રષ્ટા છે, તેમણે છેલ્લાં 10 વર્ષમાં દેશનાં 22 શહેરોમાં મેટ્રો વિકસાવી છે, જે પહેલા દેશના 5 શહેરોમાં જ ઉપલબ્ધ હતી. સાથે જ AIIMS પહેલા 7 હતી, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ દેશના 22 શહેરોમાં વિકસાવવામાં આવી છે, જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની બાબત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ષ 2036માં ગુજરાતમાં ઓલમ્પિકનું આયોજન કરવાનું વિચાર આજે કરી રહ્યા છે, જેથી દેશને વિકસિત દેશોની હરોળમાં લાવી શકાય, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે તે અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે, જેથી સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ કરી શકાય તેમજ ગેરકાયદેસર રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો માટે અન્ય સુવિધાઓ કરી સકારાત્મક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે તેમ તેમણે કહ્યું હતું. સાથે જ તેમણે તેમના જ મતવિસ્તારના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા અંગેનાં ઉદાહરણો લોકો સમક્ષ રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેઇન અભિયાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વરસાદના એક-એક ટીપાંને બચાવવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં અમૃત સરોવરો નિર્માણ કરાયા છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મોદી ઇઝ ધ બોસ કહીને સંબોધ્યા છે જો આપણે સૌ ગુજરાતની ધરતીના ગાંધીજી અને સરદાર પટેલનું ગૌરવ લેતા હોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પણ ગૌરવ લેવું જોઈએ, તેમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ લોકોને એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી અને મુખ્યમંત્રીએ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની સાથે આપણે સૌ આગળ વધીએ અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ગાંધીનગરનાં મેયર શ્રીમતી મીરાં પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, zee 24 કલાકના ચેનલ હેડ શ્રી દીક્ષિત સોની તેમજ એવોર્ડ પ્રાપ્ત કરનારાઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.