વડાપ્રધાન મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા એજન્સીઓ હાઈ એલર્ટ
નવી દિલ્હી, વડાપ્રધાન Narendra Modi રવિવારે સાંબામાં પલ્લી પંચાયતની મુલાકાત લેશે તેના એક દિવસ પહેલા શનિવારે J&K માં સુરક્ષા કડક કરવામાં આવી હતી.
નોંધનીય છે કે અહીં શુક્રવારે જૈશ-એ-મોહમ્મદના બે આત્મઘાતી હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જમ્મુની બહાર સુંજવાન મિલિટરી કેમ્પ પાસે એન્કાઉન્ટર બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એન્કાઉન્ટર દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો સાથે સજ્જ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેના કારણે મોટો હુમલો ટળી ગયો હતો.
આ એન્કાઉન્ટરમાં એક CISF અધિકારી પણ શહીદ થયા હતા અને બે પોલીસકર્મીઓ સહિત નવ અન્ય ઘાયલ થયા હતા. શુક્રવારે વહેલી સવારે અર્ધલશ્કરી દળોના જવાનોને લઈ જતી બસ પર હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા, જેના કારણે અથડામણ થઈ હતી.
ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે, બંને આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદની આત્મઘાતી ટુકડીનો ભાગ હતા અને તેમની ઘૂસણખોરીથી રવિવારે પંચાયતી રાજ દિવસ પર વડાપ્રધાન મોદીની J&K ની મુલાકાતમાં વિક્ષેપ પડવાની સંભાવના છે. કોઈ “મોટું કાવતરું” હોઈ શકે છે.