વડાપ્રધાન મોદીનું અમેરિકામાં એરપોર્ટથી લઈને હોટલ સુધી ભવ્ય સ્વાગત
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ભારતીય સમય મુજબ ૩.૩૦ વાગે વોશિંગ્ટન પહોંચ્યા હતાં. પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે.
અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. આ સાથે જ બ્રિગેડિયર અનૂપ સિંઘલ, એર કમોડોર અંજન ભદ્ર, અતાશે કમોડોર ર્નિભયા બાપના અને યુએસ ડેપ્યુટી સ્ટેટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ ટી એચ બ્રાયન મેકેકેન સહિત રક્ષા અતાશેએ પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.
પીએમ મોદી વોશિંગ્ટન ડીસી પહોંચે તે પહેલા જાેઈન્ટ બેસ એન્ડ્ર્યુઝની બહાર લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ પોતાના સ્વાગત માટે આવેલા લોકો સાથે મુલાકાત પણ કરી. એરપોર્ટ પર લોકોને મળ્યા બાદ પીએમ મોદી હોટલ વિલાર્ડ ઈન્ટરકોન્ટિનેન્ટલ વોશિંગ્ટન ડીસી પહોંચ્યા.
પીએમ મોદીને એરપોર્ટ પર મળવા માટે લોકોમાં ખુબ ઉત્સાહ જાેવા મળ્યો હતો. વોશિંગ્ટનના જાેઈન્ટ બેસ એન્ડ્ર્યુઝ એરપોર્ટ પર તેઓ ઉતર્યા ત્યારે મોટી સંખ્યામાં ભારતીયોએ તિરંગો લહેરાવીને જાેરદાર સ્વાગત કર્યું. લોકો મોદી મોદીની બૂમો પાડતા હતા. એરબેસથી પીએમનો કાફલો પેન્સિલવિનિયા એવેન્યૂ હોટલ વિલાર્ડ રવાના થયો હતો અને પીએમ મોદી જેવા હોટલ પહોંચ્યા કે ત્યાં પણ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકા જવાના રસ્તે પોતાના વિમાનની અંદરની ઝલક રજુ કરતા એક તસવીર પણ શેર કરી. તેમણે એક તસવીર ટ્વીટ કરી જેમાં તેઓ વિશેષ ઉડાણ દરમિયાન સમયનો ઉપયોગ ફાઈલો જાેવામાં કરતા જાેવા મળ્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે લાંબી ઉડાનમાં કાગળો અને ફાઈલો જાેવાની તક મળી જાય છે.
પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ઉષ્માભર્યા સ્વાગત બદલ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયનો આભારી છું. આપણા પ્રવાસી આપણી તાકાત છે. આ પ્રશંસનીય છે કે કેવી રીતે ભારતીય લોકોએ દુનિયાભરમાં પોતાને પ્રતિષ્ઠિત કર્યા છે.HS