વડાપ્રધાન મોદીને દિગ્વજય સિંહનો ખુલ્લો પત્ર, કહ્યું- વિહિપ પાસે જુના ફાળાનો હિસાબ માંગો
ભોપાલ, દેશભરમાં અયોધ્યા રામમંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે. રામ ભક્તો ખુલીને દાન કરી રહ્યાં છે ત્યારે આ કડીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પણ શ્રીરામ મંદિર નિર્માણ માટે 111,111 રૂપિયા દાન આપ્યું છે. સાથે જ તેમણે વિશ્વ હિંદુ પરિષદ પાસે જુના ફાળાનો હિસાબ પણ જનતા સામે મુકવાની માંગ કરી છે.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખતા રામ મંદિર નિર્માણ માટે દાન એકઠું કરવા માટે સૌહાર્દપુર્ણ વાતાવરણ નિર્માણ કરવાની પણ અપીલ કરી છે.
દિગ્વિજય સિંહે કહ્યું કે, રામમંદિર નિર્માણ માટે કેટલાંક સંગઠનો તલવારો, દંડા અને હથિયાર લઈને ફાળો એકત્ર કરી રહ્યાં છે. મારું એવું માનવું છે કે હથિયારો લઈને કોઈ સમુદાયને ભડકાવનારા નારા લગાવવા કોઈ ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ હોય શકે નહી. આ કારણે મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ અપ્રિય ઘટનાઓ જોવા મળી. જ્યારે એવી કોઈ જાણકારી પણ નથી કે આ સંગઠનો પાસે દાન ભેગું કરવા ન્યાસે અધિકૃત કર્યાં પણ છે કે નહી આ લોક દાન ભેગુ કરી લોકોને પહોંચ પણ આપી રહ્યાં છે કે નહી.
દિગ્વિજય સિંહે કહ્યું કે, મારા ઘર રાઘોગઢમાં 400 વર્ષથી રામમંદિર છે. રામ મારા કણ કણમાં છે. પરંતુ મેં ક્યારેય રાજનીતિમાં તેનો ઉપયોગ કર્યો નથી અને ના તો કરીશ. તેનાથી મને શાંતિ મળે છે અને તે મારા ધર્મનો સોદો થતાં બચાવે છે.