વડાપ્રધાન મોદી સોમવારની રાત્રે ગુજરાતની મુલાકાતે
ગાંધીનગર : રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની ઐતિહાસિક સપાટી જાવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મ દિવસે હોવાથી આજે રાત્રે તેઓ ગુજરાત આવી પહોંચવાના છે અને બે દિવસના પ્રવાસ બાદ માતાના આશિર્વાદ લેવા ઉપરાંત નર્મદાના જળના વધામણા કરવાના છે. આ ઉપરાંત તેમના અન્ય ભરચક કાર્યક્રમો પણ યોજાવાના છે.
સુત્રોમાંથી પ્રાપ્ત્ માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલના જન્મદિવસે ગુજરાત ભાજપે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરેલ છે. જેમાં સૌ પ્રથમ નર્મદા ડેમમાં નર્મદા જળના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયો છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે. જેના પગલે આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે.
આજે રાત્રે સાડા દસ વાગ્યે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા બાદ તેઓ સીધા ગાંધીનગર રાજભવન ખાતે પહોંચવાના છે અને ત્યાં રાત્રીરોકાણ કર્યા બાદ આવતીકાલે તેમના જન્મદિવસ નીમિતે ગુજરાતમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. નિત્ય ક્રમ મુજબ વહેલી સવારે પોતાના જન્મદિવસે મોદી રાજભવન થી સીધા જ માતા હીરાબાના આશિર્વાદ લેવા જવાના છે.
માતા સાથે વાતચીત કર્યા બાદ તેઓ સીધા જ કેવડીયા કોલોની નર્મદા ડેમ પહોંચવાના છે અને ત્યાં નર્મદાના નીરના વધામણા કરવા ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં જાડાવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાતના કાર્યક્રમોને લઈને રાજ્યભરની પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયેલું છે.એસપીજીના કમાન્ડો પણ અમદાવાદ આવી પહોંચ્યા છે અને મોદીની સુરક્ષા માટે કરાયેલી તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. વડાપ્રધાનને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી સહિતના આગેવાનો દ્વારા રાત્રે વિમાની મથકે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.