વડાપ્રધાન મોદી ૧૩માં બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં ૧૩ મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે. સમિટની થીમ સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે આંતર-બ્રિક્સ સહકાર’ છે.
આ ઇવેન્ટમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ભાગ લેશે. માનવામાં આવે છે કે આ વખતે તમામ દેશોનું ધ્યાન બેઠકમાં અફઘાનિસ્તાન મુદ્દે હોઈ શકે છે. ૨૦૧૨ અને ૨૦૧૬ પછી ભારત ત્રીજી વખત બ્રિક્સ સમિટનું આયોજન કરશે. કોવિડ રોગચાળા વચ્ચે રશિયાની અધ્યક્ષતામાં ૨૦૨૦ બ્રિક્સ સમિટ યોજાઈ હતી.
આ શિખર સંમેલન નવેમ્બરમાં થયું હતું અને ગલવાન ખીણ એપિસોડ પછી પ્રથમ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક જ મંચ પર હતા. જાેકે એવું કહેવાય છે કે સરહદી વિવાદને કારણે બ્રિક્સને આગળ વધારવામાં સમસ્યા થઇ હતી. ભારતે બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઉરુગ્વેને બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) ના નવા સભ્યો તરીકે આવકાર્યા હતા.
બ્રિક્સ દેશોના ઉર્જા પ્રધાનોએ પણ ભારતની અધ્યક્ષતામાં બેઠક કરી અને ઉર્જા ક્ષેત્રની કાર્યક્ષમતા વધારવાના સંકલ્પ લીધા. બ્રિક દેશોના નેતાઓ જુલાઇ ૨૦૦૬ માં જી ૮ આઉટરીચ સમિટ દરમિયાન રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં પ્રથમ વખત મળ્યા હતા. થોડા સમય પછી, સપ્ટેમ્બર ૨૦૦૬ માં, ન્યૂયોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય ચર્ચા દરમિયાન યોજાયેલી પ્રથમ બ્રિકસ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન જૂથનું ઔપચારિક નામ બ્રિકસ રાખવામાં આવ્યું. શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો પછી, પ્રથમ બ્રિકસ સમિટ ૧૬ જૂન ૨૦૦૯ ના રોજ યેકાટેરિનબર્ગ રશિયામાં યોજાયુ હતુ.HS