વડાપ્રધાન શુક્રવારે રાજકોટના લાઈટ હાઉસ પ્રોજેકટનું ડ્રોનથી નિરીક્ષણ કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/modi2.jpg)
રાજકોટ: રાજકોટ આમ તો સમગ્ર સૌરાષ્ટ્રની શાન ગણવામાં આવે છે .ગુજરાત માં રાજકોટ ને રંગીલું કહેવામાં આવી રહ્યું છે . રાજકોટ ધીમે ધીમે વિકસી પણ રહ્યું છે .રાજકોટ માં ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ બાદ લાઇટ હાઉસ પ્રોજેકટનું પણ ખાત મુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ
મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ડ્રિમ પ્રોજેકટની સમીક્ષા કરી રહ્યા છે જેમાં આગામી શુક્રવારના રોજ તેઓ લાઇટ હાઉસ પ્રોજેકટની ડ્રોન કેમેરા મદદથી નિરીક્ષણ કરશે અને બાદમાં અધિકારીઓ સાથે વીડિયો કોંફોરન્સ મારફત સંબોધન કરશે.
અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત ૬ શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત ૬ શહેરોમાં ૬ જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ બીએમટીપીસી (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા ૧.૫૦ લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા ૧.૫૦ લાખની સહાય આપવામાં આવનાર છે.
આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા ૪ લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે.