વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો અમેરિકાનો લીઝન ઑફ મેરિટ એવોર્ડ
વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લીઝન ઑફ મેરિટ એવોર્ડથી સમ્માનિત કર્યા. પીએમ મોદીનું આ સન્માન અમેરિકા અને ભારતની વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે. છેલ્લા 4 વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી છે.
લીઝન ઑફ મેરિટ એવોર્ડ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંનો એક છે. લીઝન ઑફ મેરિટ એવોર્ડ અમેરિકી સેનાના ઑફિસર, અમેરિકા માટે કંઈક મોટુ કાર્યકરનારા અને કોઈ અન્ય દેશના રાષ્ટ્રાધ્યક્ષને આપવામાં આવે છે.
અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીત સંધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપેલુ સન્માન લીઝન ઑફ મેરિટને રિસીવ કર્યુ. આ એવોર્ડ રિસીવ કરતા સમયે તેઓ ઘણા ખુશ જોવા મળ્યા. અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે ટ્વીટ કરીને આ જાણકારી આપી.
અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે પોતાના સત્તાકીય ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા-ભારત સામરિક સમાધાનને વધારવામાં તેમના નેતૃત્વ માટે લીઝન ઑફ મેરિટથી સન્માનિત કર્યા. વડા પ્રધાન મોદીની જગ્યાએ રાજદૂત તરણજીત સંધુએ આ પદકનો સ્વીકાર કર્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા ભારત સાથે સંબંધ મજબૂત કરવા પર જોર આપ્યુ છે. આ દરમિયાન આ બંનેની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી. પછી તે અમેરિકામાં આયોજિત થયેલો હાઉડી મોદી હોય કે ભારતમાં કરવામાં આવેલો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આના પહેલા રશિયા, સાઉદી અરબ, યુએઈ, પેલેસ્ટાઇન અને માલદીવ સહિત કેટલાક અન્ય દેશોનું સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યુ છે.