વડા પ્રધાન મોદીની સુરક્ષા પાછળ રોજ 1.62 કરોડનો ખર્ચ: ગૃહ મંત્રાલય
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા પર રોજ 1.62 કરોડ રૂપિયા ખર્ચાય છે તેવો ખુલાસો સરકારના ગૃહ મંત્રાલયે કર્યો છે. લોકસબામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યુ હતુ કે, એસપીજી દ્વારા માત્ર પીએમને સુરક્ષા અપાયા છે. આ સિવાય દેશના બીજા 56 વીઆઈપીની સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફ સંભાળે છે. રેડ્ડીએ કહ્યુ હતુ કે, નવા કાયદા પ્રમાણે હવે એસપીજીની સુરક્ષા વ્યવસ્થા માત્ર પીએમ અને તેમના પરિવાજનોને જ મળશે.
જોકે ગૃહ મંત્રાલય દ્વારા કોઈને વીઆઈપી સુરક્ષા અપાઈ છે તેમના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જી કિશન રેડ્ડીએ કહ્યુ હતુ કે, તાજેતરમાં જ પૂર્વ પીએમ મનમોહનસિંહ, તેમના પત્ની ગુરૂશરણ કૌર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના સંતાનો રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી લેવાઈ છે.પીએમ પદે રહેનાર વ્યક્તિને ત્યાં સુધી જ એસપીજી સુરક્ષા મળશે જ્યાં સુધી તે પીએમ હશે. 1984માં પીએમ ઈન્દિરા ગાંધીની તેમના જ બોડીગાર્ડસ દ્વારા હત્યા કરાયા બાદ વીઆઈપી સુરક્ષા માટે એસપીજી એટલે કે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ બનાવવામાં આવ્યુ છે.