વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ગીરનાર રોપવેનું ઉદ્દઘાટન
વડા પ્રધાને જણાવ્યું કે આ પ્રોજેકટ ગીરનારમાં વધુ યાત્રાળુ અને પ્રવાસીઓને આકર્ષવામાં સહાયરૂપ બનશે અને નવી રોજગારીનું નિર્માણ થશે
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શનિવારના રોજ જૂનાગઢમાં ગીરનાર રોપવે પ્રોજેકટનું વિડીયો કોન્ફરનસના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. આ રોપવે સૌરાષ્ટ્રમાં પ્રવાસન અને સંબંધિત ક્ષેત્રોમાં વિકાસ માટે ઉદ્દીપક બની રહેશે તેવી અપેક્ષા છે.
2.3 કી.મી.નો આ ગીરનાર રોપવે દુનિયામાં સૌથી લાંબો ટેમ્પલ રોપવે છે.
પ્રધાન મંત્રીશ્રીએ નવી દિલ્હીથી આ રોપવેનું ઉદ્દઘાટન કર્યું હતું ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઈ પટેલ, અન્ય વરિષ્ઠ પ્રધાનો તથા ઉષા બ્રેકોના ચેરમેન શ્રી પ્રશાંત જાવર આ પ્રસંગે ગીરનાર ખાતે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કરેલા પ્રવચનમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “વિશ્વસ્તરના આ રોપવેન કારણે વધુ લોકો માટે ગીરનારની મુલાકાત લેવાનું સુગમ બની રહેશે.
અગાઉ ગીરનાર ચડતાં 5 થી 7 કલાક લાગતા હતા, પરંતુ હવે માત્ર 7 થી 8 મિનિટ લાગશે. વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓ ગીરનારની મુલાકાત લેશે. આના કારણે સાહસિક પ્રવૃત્તિઓને વેગ મળશે. મને એ વાતનો આનંદ છે કે આ પ્રોજેક્ટ સ્થાનિક લોકો માટે રોજગારીની વધુ તકો ઉભી કરશે.”
भारत का सबसे लंबा रोप-वे, सिर्फ़ सात मिनट में पहुंचाएगा मंज़िल पर pic.twitter.com/WK3xIsmZ14
— BBC News Hindi (@BBCHindi) October 25, 2020
આ પ્રસંગે વાત કરતાં ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે “અમારૂં એ સૌભાગ્ય છે કે નવરાત્રી જેવા પાવન પ્રસંગે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રોપવેનું ઉદ્દઘાટન થયું છે. વરિષ્ઠ નાગરિકો, બાળકો અને મહિલાઓ ગીરનારની મુલાકાત લઈ શકતા ન હતા તે હવે વિશ્વસ્તરના રોપવેના માધ્યમથી મુલાકાત લઈ શકશે. હું આ તબક્કે આટલા વર્ષો સુધી લાખો લોકોને ગીરનારની મુસાફરી કરાવવા બદલ ડોલીવાળાઓનો પણ આભાર માનું છું.”
ઉદ્દઘાટન પછી મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય મહાનુભવોએ રોપવેમાં મુસાફરી કરી હતી અને ગીરનારના મંદિરમાં અંબાજી માતાના દર્શન કર્યા હતા.
ગીરનાર રોપવેનો સમાવેશ દેશના અત્યંત આધુનિક પેસેન્જર રોપવેમાં થાય છે. આ રોપવેમાં 25 કેબિનો આવેલી છે, જેમાં ગ્લાસ ફ્લોરની એક કેબિનનો સમાવેશ થાય છે. દરેક કેબિન એક સાથે 8 પેસેન્જરોની વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ રોપવેથી 1 કલાકમાં 800 લોકો અને 1 દિવસમાં 8,000 પ્રવાસીઓ યાત્રા કરી શકશે.