વડોદરાઃ વાહનની ટક્કર વાગતા જમાદારનું મોત
અમદાવાદ, વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું ગઇ મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસ જવાન સમીયાલા ગામ પાસેથી પોતાની બાઇક પર પસાર થઇ રહ્યા હતાં. તે સમયે કોઇ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જેમાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતાં વડોદરાના પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ ઉપર બી-૨૯, પ્રાર્થના ટેનામેન્ટમાં રહેતા ભરતસિહ ચંદ્રસિહ પરમાર(ઉ.વ.૫૧) સમા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. મોડી રાત્રે તેઓ પોતાની બાઇક ઉપર વડોદરા નજીક આવેલા સમીયાલા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતાં. દરમ્યાન કોઇ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતાં તેઓ બાઇક ઉપરથી રોડ પર પટકાતા મોત નીપજ્યું હતું. આ બનાવે પોલીસ તંત્રમાં ગમગીની ફેલાવી દીધી હતી. તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી તો સાથે સાથે વડોદરા પોલીસ તંત્રમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.